Assembly Session : આમ આદમી પાર્ટીના જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવાએ વિધાનસભા ખાતે એક મહત્વપૂર્ણ મુદ્દા પર મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, ગુજરાતના ગૃહમંત્રી આજે દારૂબંધીના કાયદામાં સુધારા વિધેયક લઈને આવ્યા. જેમાં પોલીસ દ્વારા દારૂના ગુનામાં જે વાહન ડીટેઇન કરવામાં આવ્યા હોય તેને વહેલી તકે હરાજી કરવી અને નિકાલ કરવા સંબંધિત વિધેયક હતો. આ વિધેયક પર મેં મારા વિચારો રજૂ કરતા જણાવ્યું હતું કે દારૂબંધીનો કાયદો ગુજરાતમાં ફક્ત કાગળ પર જ રહી ગયો છે. આજે સ્વિગી-ઝોમેટોની જેમ દારૂ પણ લોકો પોતાના ઘરે મંગાવી શકે છે. છેલ્લા દસ વર્ષમાં ગુજરાતમાં 97,000 કરોડ રૂપિયાનો ડ્રગ્સ પકડાયું છે. દેશના ગૃહ મંત્રી અને પ્રધાનમંત્રીના હોમ સ્ટેટમાં આટલા મોટા પ્રમાણમાં ડ્રગ્સ પકડાવો તે ખૂબ જ ચિંતાજનક વિષય છે.
ડ્રગ્સ અને દારૂને લઈને શું છે MLA ની માંગ ?
એક તરફ ગુજરાતનો યુવાધન વધુને વધુ ડ્રગ્સના રવાડે ચડી રહ્યો છે, માટે અમારી માંગ છે કે આ કાયદાને વધુમાં વધુ કડક બનાવવામાં આવે. અવારનવાર બિનવારસી ડ્રગ્સ મળ્યું તેમ કહીને આ ડ્રગ્સના રેકેટ ચલાવનાર લોકોને છોડી દેવામાં આવે છે અને છાવરવામાં આવે છે. જે રીતે વાહનની હરાજી કરવામાં આવે છે તે જ રીતે અમારી માંગ છે કે જે બોટમાં ઇન્ટરનેશનલ લેવલથી ડ્રગ્સ આવતી હોય છે, તે બોટને પણ જપ્ત કરવી જોઈએ અને તેના પર પણ કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ. અવારનવાર એકના એક બંદર પરથી અનેકવાર ડ્રગ્સ પકડાતું હોય છે, તો તે બંદરના માલિકની પણ તપાસ થવી જોઈએ. કારણ કે જે રીતે ગુજરાતમાં ડ્રગ્સ આવી રહ્યું છે, તે જોતા લાગી રહ્યું છે કે ગુજરાતનો દરિયાકિનારો ડ્રગ્સ વેચનારાઓ માટે સ્વર્ગ સમાન બની ગયો છે. તો આ તમામ વસ્તુઓને રોકવા માટે કડકમાં કડક કાયદો બનાવવામાં આવે.
જ્યારે પણ ડ્રગ્સ પકડાય છે, ત્યારે નાની નાની માછલીઓને પકડીને સરકાર વાહ-વાહી લુટતી હોય છે. પરંતુ આ ડ્રગ્સ રેકેટની પૂરેપૂરી તપાસ કરવી જોઇએ. કારણકે જે લોકો 500 કરોડ, 1 હજાર કરોડ, 2 હજાર કરોડના ડ્રગ્સ મંગાવી રહ્યા છે તે કોઈ સામાન્ય લોકો ના હોઈ શકે. આ એકદમ આયોજનબદ્ધ રીતે ક્રાઇમ રેકેટ ચલાવવામાં આવતું હોય છે. તો આવા મોટા માથાના ક્રિમિનલ લોકો પર સકંજો કસવામાં આવે છે તેવી પણ અમારી માંગણી છે.
આ પણ વાંચો : Gujarat Rain Alert : ગુજરાતમાં માટે આગામી 5 દિવસ ભારે વાવાઝોડાનું જોખમ, આ જિલ્લાઓ માટે IMDનું એલર્ટ