Assembly Session : વિધાનસભા ગૃહ ખાતે જાહેર અગત્યની બાબત પર નિવેદન અને ખેડૂતો માટે કૃષિ રાહત પેકેજની જાહેરાત કરતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતના કેટલાક જિલ્લામાં જુલાઈ-2024 માસ દરમિયાન વરસેલા અનરાધાર વરસાદના પરિણામે ખેડૂતોના ખેતી અને બાગાયતી પાકોને વ્યાપક પ્રમાણમાં નુકશાન થયું છે. આવી વિકટ પરિસ્થિતિમાં જગતના તાતને આર્થિક નુકશાનીમાં સહાયરૂપ થવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મંજૂરીથી રાજ્ય સરકાર દ્વારા 350 કરોડની માતબર રકમનું કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે.
કૃષિ મંત્રીએ કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ગુજરાત સરકારનો અભિગમ હંમેશા ખેડૂતલક્ષી રહ્યો છે. રાજ્યના ખેડૂતો પર આવેલી કુદરતી આપદાના સમયે ભારત અને ગુજરાત સરકાર હરહંમેશ ખેડૂતોની પડખે અડીખમ ઉભી છે. ખેડૂતોને વાવણીની શરૂઆતના તબક્કે નુકશાનીમાં સહાય મળે અને તેઓ ઝડપભેર ફરી વાવેતર કરી શકે તે માટે મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને તાત્કાલિક ધોરણે આ ખેડૂતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે.
મંત્રી રાઘવજી પટેલે રાહત પેકેજ અંગે વિસ્તૃત વિગતો આપતા જણાવ્યું હતું કે, જુલાઈ માસમાં જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, આણંદ, ભરૂચ, સુરત, નવસારી અને તાપી જિલ્લાના મળી કુલ ૪૫ તાલુકામાં અનરાધાર ભારે વરસાદ વરસતા આશરે 4,06,892 હેક્ટર વિસ્તાર ભારે વરસાદથી અસરગ્રસ્ત થયો હતો. આ અસરગ્રસ્ત વિસ્તારમાં 272 ટીમોની રચના કરી વિગતવાર સર્વે હાથ ધરવામાં આવ્યો છે. જેના આધારે આશરે 1.50 લાખથી વધુ અસરગ્રસ્ત ખેડૂતોને સહાય આપવામાં આવશે.
ખેડૂતોને નિયમોનુસારની સહાય આપવા માટે નિયત કરાયેલા ધોરણો અંગે વાત કરતા મંત્રી રાઘવજી પટેલે કહ્યું હતું કે, અસરગ્રસ્ત ખેડૂતોને SDRF-સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડના ધારા-ધોરણો મુજબ પાક નુકશાની માટે સહાય આપવામાં આવશે. સાથે જ નુકશાનની તીવ્રતાને ધ્યાને રાખીને રાજ્ય ભંડોળમાંથી/રાજ્ય બજેટ હેઠળ વધારાની ટોપ અપ સહાય અપાશે.
આ પણ વાંચો : Caste Census : વિધાનસભા સત્રમાં હવે જાતિ આધારિત વસ્તી ગણતરીની કરી માંગ, ધારાસભ્ય શૈલેષ પરમારે ગૃહમાં ઉઠાવ્યો મુદ્દો