Asian Games : ભારતે સ્ક્વોશમાં રચ્યો ઈતિહાસ, પાકિસ્તાનને હરાવીને જીત્યો ગોલ્ડ મેડલ

ચીનમાં રમાઈ રહેલી એશિયન ગેમ્સમાં ભારતીય સ્ક્વોશ ટીમે શાનદાર પ્રદર્શન કર્યું છે અને ગોલ્ડ મેડલ જીત્યો છે.

September 30, 2023

ભારતે પાકિસ્તાનને હરાવીને સ્ક્વોશમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. ભારત પ્રથમ મેચ હારી ગયું હતું પરંતુ ત્યાર બાદ ટીમે તે પછીની બે મેચ જીતીને પાકિસ્તાનને ધૂળ ચટાડી દીધી હતી.

ભારતીય સ્ક્વોશ ટીમે શાનદાર પ્રદર્શન કર્યું

ચીનમાં રમાઈ રહેલી એશિયન ગેમ્સમાં ભારતીય સ્ક્વોશ ટીમે શાનદાર પ્રદર્શન કર્યું છે અને ગોલ્ડ મેડલ જીત્યો છે. ટીમ ઈન્ડિયાએ શનિવારે ફાઇનલમાં તેના કટ્ટર હરીફ પાકિસ્તાનને હરાવીને આ મેડલ જીત્યો હતો. આ રમતમાં પાકિસ્તાન વર્ચસ્વ ધરાવે છે. પરંતુ ટીમ ઈન્ડિયાએ આ મેચમાં તેને જોરદાર ટક્કર આપી અને ગોલ્ડ મેડલ જીત્યો. ભારતે આ મેચ 2-1થી જીતી લીધી છે.

ભારતીય ટીમે છેલ્લી ઘડીએ બાજી પલટી

જોકે ભારતની શરૂઆત સારી રહી ન હતી. મહેશ મંગાવકરને નાસિર ઈકબાલએ પ્રથમ મેચમાં હરાવ્યો હતો. આ પછી સૌરવ ઘોષાલે ટીમમાં વાપસી કરી અને એમએ ખાનને હરાવી સ્કોર 1-1થી બરાબર કરી દીધો. આ પછી ભારતના અભય સિંહે ત્રીજી મેચ જીતીને ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો.

ભારતે છ દિવસમાં કુલ 33 મેડલ જીત્યા

એશિયન ગેમ્સનો આજે સાતમો દિવસ છે. ભારતે છ દિવસમાં કુલ 33 મેડલ જીત્યા છે. ભારતે સ્પર્ધાના પ્રથમ દિવસે પાંચ, બીજા દિવસે છ, ત્રીજા દિવસે ત્રણ, ચોથા દિવસે આઠ, પાંચમા દિવસે ત્રણ અને છઠ્ઠા દિવસે આઠ મેડલ મેળવ્યા હતા.

2014 બાદ સ્ક્વોશમાં જીત્યો ગોલ્ડ મેડલ

મહત્વનું છે કે 2014ની એશિયન ગેમ્સ બાદ પ્રથમ વખત ભારત સ્ક્વૉશમાં મેડલ જીત્યું છે. ભારતે છેલ્લે 2014માં ઈંચિયોનમાં રમાયેલી ગેમ્સની મેન્સ ટીમ સ્ક્વોશમાં ગોલ્ડ જીત્યો હતો.

Read More

Trending Video