ભારતીય હોકી ટીમે હાંગઝોઉ એશિયન ગેમ્સમાં શાનદાર પ્રદર્શન કરતા ગોલ્ડ મેડલ મેળવ્યો છે. શુક્રવાર 6 ઓક્ટોબરના રોજની ફાઈનલ મેચમાં ભારતે ગત ચેમ્પિયન જાપાને 5-1 થી હરાવ્યું છે. ભારત તરફથી કપ્તાન હરમનપ્રીત સિંહે સૌથી વધારે બે ગોલ કર્યાં. જ્યારે મનપ્રીત સિંહ, અભિષેક અને અમિત રોહિદાસે 1-1 ગોલ કર્યો.
પેરિસ ઓલંપિકમાં ભારતની એન્ટ્રી
જાપાન તરફથી એકમાત્ર ગોલ સેરેન તનાકાએ કર્યો. આ જીતની સાથે જ ભારતીય હોકી ટીમે આગામી વર્ષે યોજાનારા પેરિસ ઓલંપિકની ટિકિટ મેળવી લીધી છે. પેરિસ ઓલંપિક 26 જુલાઈને લઈને 11 ઓગસ્ટ સુધી રમાશે.
ભારતીય ટીમના દે દનાદન ગોલ
ફાઈનલ મેચ દરમિયાન પહેલા ક્વાટરમાં બંને ટીમો તરફથી કોઈ ગોલ થઈ શક્યો નહી. લાંબી રાહ જોયા બાદ રમતના 25મી મિનિટમાં ભારત ગોલ કરવામાં સફળ રહ્યાં. ભારત માટે આ ગોલ મનપ્રીત સિંહે કર્યો. હાફટાઈમમાં ભારત 1-0 થી આગળ હતુ. પછી ત્રીજા ક્વાટરમાં ભારતે ઉપરાઉપરી બે ગોલ કર્યાં. 32મી મિનિટમાં કપ્તાન હરમનપ્રીત સિંહે પેનલ્ટી કોર્નર પર સ્કોર કર્યો. બાદમાં ચાર મિનિટ પછી 36મી મિનિટ અમિત રોહિદાસે પણ પેનલ્ટી કોર્નર પર ગોલ કર્યો.
ભારતની શાનદાર જીત
તે પછી ચોથા ક્વાર્ટરમાં પણ બે ગોલ કર્યાં. પહેલા 48માં મિનિટમાં અભિષેકે શાનદાર ફિલ્ડ ગોલ કર્યો. જોકે સેરેન તનાકાએ 51માં પેનલ્ટી કોર્નરના ગોલમાં તબ્દીલ કરીને સ્કોર 4-1 કરી દીધો પછી હરમનપ્રીતે 59મી મિનિટમાં પેનલ્ટી કોર્નર પર ગોલ કરીને ભારતે 5-1થી જીત મેળવી.
જાપાન સાથે ભારતનો રેકોર્ડ
ભારતીય ટીમે એશિયન ગેમ્સમાં ચોથીવાર ગોલ્ડ મેડલ જીત્યો છે. તે પહેલા 1966, 1998 અને 2014 માં પણ ગોલ્ડ જીત્યો હતો. આ સિવાય ભારતીય હોકી ટીમે 9 સિલ્વર અને 3 બ્રોન્ઝ પણ જીત્યા છે. ભારત-જાપાન વચ્ચે 2013 બાદ 28 વાર મેચ રમાઈ છે જેમાં 23 મેચ ભારતે જીતી જ્યારે જાપાને ત્રણ મેચ જીતી અને બે મેચ ડ્રો થઈ હતી.