Aravalli School : ગુજરાતમાં અત્યારે જાણે શિક્ષણ જગત બદનામ હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસોમાં રાજ્યમાં ભૂતિયા શિક્ષકો, ભૂતિયા શાળાઓ અને ભૂતિયા યુનિવર્સિટી મળી આવે ત્યાં સુધી પણ ઠીક હતું. પરંતુ હવે તો હદ્દ થઇ ગઈ કે રાજ્યની શાળાઓમાં ગુંડારાજ શરુ થઇ ગયું છે. હવે આવી જ એક ઘટના અરવલ્લીમાંથી બહાર આવી છે. જેને કારણે રાજ્યમાં શાળાઓમાં વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને સવાલો ઉભા થયા છે.
અરવલ્લીની શાળામાં ગુંડાઓએ ઘુસી વિદ્યાર્થીને ઢોર માર માર્યો
શિક્ષણ સંસ્થાઓને લાંછનરૂપ એક ઘટના સામે આવી છે. જેમાં એક વિદ્યાર્થીને શાળાની અંદર ઢોરમાર મારવાની ઘટના સામે આવી છે. મોડાસાની એચ.એલ.પટેલ સરસ્વતી સ્કૂલમાં બહારથી 10 થી 15 લોકોનું ટોળા દ્વારા શાળામાં ઘૂસીને વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો છે. ઘટના મુજબ ધોરણ 10 માં ભણતા વિદ્યાર્થીએ શાળાની જ એક વિદ્યાર્થીનીને ફ્રેંડશીપ કરવી છે, તેવો મેસેજ કર્યો હતો. વિદ્યાર્થી બીજા સમાજનો હોવાથી ત્યાંના શિક્ષક અતુલ પટેલે વિધાર્થીનીના સમાજના લોકોને જાણ કરી હતી. ત્યારે વિદ્યાર્થીનીના સમાજના લોકો આવેશમાં આવીને સ્કૂલ અંદર આવીને વિદ્યાર્થીને ઢોર માર મારે છે, સાથે જ સ્કૂલના પ્રિન્સીપાલ અને શાળાના શિક્ષક અતુલ પટેલ વિદ્યાર્થી પાસે માફીપત્ર લખાવે છે. આ સમગ્ર મામલે શાળાની ફરજ આવે છે કે માતાપિતાને જાણ કરવામાં આવે, પરંતુ શાળા દ્વારા વાળીને જાણ કરવામાં આવી નહોતી. માર મારવાની ઘટના પછી વિધાર્થીના પરિવારજનો વિદ્યાર્થીને હોસ્પિટલ લઇ જાય છે. ત્યારે આ ઘટના બન્યા પછી વિધાર્થીએ ગભરાઈને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.
આ ઘટના પર વિદ્યાર્થીના પરિવારજનોએ શું કહ્યું ?
આ મામલે પરિવારજનોએ નિવેદન આપતા કહ્યું કે, શાળામાં શિક્ષકોએ વિદ્યાર્થી પાસે માફીપત્ર લખાવ્યા પછી, વિદ્યાર્થીને શાળાના 2 થી 3 શિક્ષકો સીસીટીવી કેમેરો ન હોય તેવા એક રૂમમાં લઇ જઈને ઢોરમાર મારે છે. એટલી હદે વિધાર્થીને માર માર્યો છે, કે વિધાર્થીના માથાના વાળ ઉપસી આવ્યા હતા. પીઠના ભાગે ખુબજ માર મારવામાં આવ્યો હતો સાથે જ ગળાની અંદરનું પાણી બહાર નીકળી ગયું હતું. સ્કૂલ ઉપર તાત્કાલિક ધોરણે રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી તેમજ અરવલ્લી જિલ્લા શિક્ષણાધિકારી કાયદાકીય ધોરણે યોગ્ય તપાસ કરી કડક પગલાં લઈને આવા શિક્ષકો ઉપર ઝડપથી કાર્યવાહી કરે તેવી પરિવારજનોએ માંગણી કરી હતી.
શાળાની અંદર વિદ્યાર્થી શીખવા માટે આવે છે, ત્યારે કોઈ વિદ્યાર્થીથી કોઈ ભૂલ થાય ત્યારે શાળાના શિક્ષકોએ તેને સમજાવવાનો હોય કે તેના પરિવારજનોને તેની જાણ કરવાની હોય, પરંતુ શિક્ષકે કે શાળાના કોઈ વ્યક્તિએ પરિવારને પણ જાણ ના કરી. તો શું આ શિક્ષકને આ પ્રકારનું વર્તન કરવાનો અધિકાર આપ્યો કોણે ? અને શાળામાં ગુંડાઓ ઘુસી જાય છે તો એ શાળામાં વિદ્યાર્થીઓ કેટલા સુરક્ષિત છે તે પણ એક વિચારવા જેવો પ્રશ્ન છે.