Anshuman Gaekwad Passes Away : દિગ્ગજ ક્રિકેટર અને પૂર્વ કોચ અંશુમાન ગાયકવાડનું નિધન, જાણો આ મહાન ખેલાડી વિશે

August 1, 2024

Anshuman Gaekwad Passes Away : ભારતના દિગ્ગજ ક્રિકેટર (legendary cricket player) અને કોચ અંશુમાન ગાયકવાડનું (Anshuman Gaekwad ) બ્લડકેન્સરની (blood cancer ) બીમારી સામે લાંબા સમય સુધી ઝઝુમ્યા બાદ નિધન થયું છે.બરોડા ક્રિકેટ એસોસિએશનના સીઇઓ સ્નેહલ પરીખે જણાવ્યું હતું કે, ગાયકવાડે ગઈ કાલે રાત્રે 10 વાગે વડોદરાની એક હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.ગાયકવાડે લંડનની હોસ્પિટલમાં બ્લડ કેન્સરની સારવાર કરાવી હતી અને જૂન મહિનામાં વતન વડોદરા પરત ફર્યા બાદ સ્થાનિક હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા.

કપિલ દેવે અંશુમનને મદદ કરવા માટે આગળ આવ્યા હતા

લાંબા સમય સુધી બ્લડ કેન્સર સામે લડ્યા બાદ, ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને ટીમ ઈન્ડિયાના કોચ અંશુમન ગાયકવાડનું નિધન થયું છે. અંશુમન ગાયકવાડ લાંબા સમયથી બ્લડ કેન્સર જેવી ગંભીર બીમારીથી પીડિત હતા.તેમની હાલત જોઈને કપિલ દેવે અંશુમનને મદદ કરવા માટે તેમનું પેન્શન દાન કરવાનો નિર્ણય લીધો હતો.

બીસીસીઆઈએ પણ મદદનો હાથ લંબાવ્યો હતો

અન્ય ઘણા ભૂતપૂર્વ ખેલાડીઓ પણ અંશુમનની મદદ માટે આગળ આવ્યા હતા. જેમાં મોહિન્દર અમરનાથ, સંદીપ પાટીલ, મદન લાલ અને કીર્તિ આઝાદના નામ સામેલ છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ પણ અંશુમનની સારવાર માટે 1 કરોડ રૂપિયાનું દાન આપવાની જાહેરાત કરી હતી.

અંશુમન ગાયકવાડની ક્રિકેટ કારકિર્દી

ગાયકવાડ વડોદરા માટે પ્રથમ શ્રેણીની 206 મેચ ઉપરાંત 1975થી 1987 વચ્ચે ભારત માટે 40 ટેસ્ટ અને 15 વન-ડે મેચ રમ્યા હતા. તેઓ ભારતીય ટીમના પસંદગીકાર હતા અને ત્યારબાદ ઓક્ટોબર 1997થી સપ્ટેમ્બર 1999 સુધી ભારતીય ટીમના મુખ્ય કોચ તરીકે કામ કર્યું. તેમને વર્ષ 2017-18 માટે સી કે નાયડુ લાઇફટાઇમ એચિવેમન્ટ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

અંશુમને 27 ડિસેમ્બર 1974ના રોજ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. તે કોલકાતામાં વેસ્ટ ઈન્ડિઝ સામે રમ્યો હતો. તેણે તેની છેલ્લી ટેસ્ટ મેચ વર્ષ 1984માં ઈંગ્લેન્ડ સામે રમી હતી. ગાયકવાડે તેની 40 ટેસ્ટ મેચોની કારકિર્દીમાં 30.07ની સરેરાશથી 1985 રન બનાવ્યા, જેમાં 2 સદી અને 10 અડધી સદી સામેલ છે. ગાયકવાડે ભારત માટે 15 ODI મેચોમાં 20.69ની એવરેજથી 269 રન બનાવ્યા હતા.

પાકિસ્તાન સામે ઐતિહાસિક ઈનિંગ રમ્યા હતા

અંશુમન ગાયકવાડ પોતાની ડિફેન્સિવ ટેક્નિકને કારણે ક્રિકેટની દુનિયામાં ‘ધ ગ્રેટ વોલ’ તરીકે ઓળખાય છે. ગાયકવાડ મહાન બેટ્સમેન સુનીલ ગાવસ્કર સાથે ઓપનિંગ કરતા હતા. તેને લિટલ માસ્ટરનો ‘જમણો હાથ’ પણ કહેવામાં આવતો હતો. અંશુમન ગાયકવાડે સપ્ટેમ્બર 1983માં પાકિસ્તાન સામે જલંધર ટેસ્ટ મેચમાં ઐતિહાસિક ઇનિંગ રમી હતી. તેણે 201 રન બનાવ્યા હતા. કુલ 671 મિનિટ સુધી બેટિંગ કરી. તે સમયે પ્રથમ ક્રિકેટમાં આ સૌથી ધીમી બેવડી સદી હતી. અંશુમન ગાયકવાડની તે બેવડી સદીને કારણે ભારતીય ટીમે પાકિસ્તાન સામેની ટેસ્ટ મેચ સરળતાથી ડ્રો કરી હતી.

જય શાહે  વ્યક્ત કર્યો  શોક

બીસીસીઆઇના સેક્રેટરી જય શાહે પણ ગાયકવાડનાં નિધન બદલ શોક વ્યક્ત કર્યો હતો.

પીએમ મોદીએ દુઃખ વ્યક્ત કર્યું

અંશુમનના નિધન પર શોક વ્યક્ત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ X પર લખ્યું કે અંશુમન ગાયકવાડને ક્રિકેટમાં તેમના યોગદાન માટે યાદ કરવામાં આવશે. તે પ્રતિભાશાળી ખેલાડી અને ઉત્તમ કોચ હતો. તેમના નિધનથી દુઃખી. તેમના પરિવાર અને ચાહકો પ્રત્યે સંવેદના. સ્વસ્થતા.

અમિત શાહે આ વાત કહી

દુખ વ્યક્ત કરતા અમિત શાહે લખ્યું દુઃખની આ ઘડીમાં તેમના પરિવાર અને અનુયાયીઓ સાથે મારી સંવેદના છે. સ્વસ્થતા.

વીવીએસ લક્ષ્મણે શોક વ્યક્ત કર્યો હતો

વીવીએસ લક્ષ્મણે કહ્યું કે અંશુમન ગાયકવાડના નિધનથી તેઓ દુખી છે. તેમના પરિવાર અને મિત્રો પ્રત્યે મારી હૃદયપૂર્વકની સંવેદના.

આ પણ વાંચો : Gujarat Rain Forecast: રાજ્યમાં બે દિવસ બાદ ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગે શું નવુું અપડેટ્સ આપ્યું

Read More

Trending Video