Ambaji : અંબાજી એ ગુજરાતના લોકોની આસ્થાનું કેન્દ્ર છે. માત્ર ગુજરાત જ નહિ પરંતુ સમગ્ર દેશ અને વિદેશમાંથી પણ માઇભક્તો માં અંબાના દર્શને આવે છે. ત્યારે દર વર્ષે ભાદરવી પૂનમના દિવસે અંબાજીમાં મેળાનું આયોજન કરવામાં આવે છે. અને આ ભાદરવી પૂનમના મેળામાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડે છે. માઇભક્તો તો દરવર્ષે આ ભાદરવી પૂનમના મેળાની રાહ જોતા હોય છે. ત્યારે આજે અંબાજીમાં આ ભાદરવી પૂનમના મેળાનો રંગેચંગે પ્રારંભ કરવામાં આવ્યો છે. અંબાજી કલેક્ટર દ્વારા ભાદરવી પૂનમના મેળાનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. મેળાનો શુભારંભ થતાની સાથે જ બોલ મારી અંબે જય જય અંબેના નાદ ચોતરફ ગુંજી ઉઠ્યો હતો.
બનાસકાંઠા કલેકટર મિહિર પટેલે લાખો માઇભક્તોને મેળામાં આવકારતાં મા અંબા માઈભક્તોની મનોકામના પૂર્ણ કરે અને મેળો સુખરૂપ નિર્વિઘ્ને પૂર્ણ થાય એવી પ્રાર્થના કરી હતી. મેળાના પ્રથમ દિવસથી વિવિધ સેવા કેમ્પો પણ ધમધમી ઉઠ્યા છે. પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સાત દિવસીય ઉત્સવમાં મા અંબાના દર્શનાર્થે આવતા લાખો શ્રદ્ધાળુઓની સેવા, સુવિધા અને સુરક્ષા માટે અનેકવિધ આયોજન કરાયુ છે. મેળાના સાત દિવસ સુધી યાત્રાધામને સાંકળતા માર્ગો બોલ માડી અંબે જય જય અંબેના નાદથી ગુંજી ઉઠશે. રસ્તામાં માઇભક્તોને કષ્ટ ન પડે તે માટે સેવાભાવી સંસ્થાઓ દ્વારા ઠેરઠેર સેવા કેમ્પો પણ શરૂ કરી દેવામાં આવ્યા છે.
આ પણ વાંચો : Congress Rally : વડોદરામાં કોંગ્રેસની જનઆક્રોશ રેલી યોજાઈ, કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ સરકાર પર કર્યા આકરા પ્રહાર