Alpesh Thakor : વાવ વિધાનસભા પેટા ચૂંટણીનો પ્રચાર પુરજોશમાં ચાલી રહ્યો છે. ભાજપ, કોંગ્રેસ, અને અપક્ષ ત્રણેય પોતાની જીત માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. વાવ વિધાનસભામાં સૌથી વધુ મત ધરાવતા ઠાકોર સમાજ પર સૌ કોઈ પક્ષની નજર જોવા મળી રહી છે. કારણ કે 85 હજાર મત ધરાવતા ઠાકોર સમાજ વિધાનસભાની પેટા ચૂંટણીમાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. ત્યારે આ વખતે ભાજપમાંથી સ્વરૂપજી ઠાકોર વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ચૂંટણી લડી રહ્યા છે. અને સામા પક્ષે કોંગ્રેસમાંથી ગુલાબસિંહ રાજપૂત ચૂંટણી લડી રહ્યા છે. પણ ભાજપ અને કોંગ્રેસના બંને ઉમેદવારો સિવાય આ બેઠક પર બંને પક્ષના ઠાકોર સમાજના નેતાઓ, ભાજપમાંથી અલ્પેશ ઠાકોર અને કોંગ્રેસમાંથી ગેનીબેન ઠાકોર બંને નેતાઓ ચૂંટણી જીતવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે દિયોદર તાલુકાના કોતરવાડા ગામ ખાતે ઠાકોર સમાજના આગેવાન અને ગાંધીનગરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં વાવ વિધાનસભા ની પેટા ચૂંટણીમાં ભાજપ તરફથી ચૂંટણી લડી રહેલા સ્વરૂપજી ઠાકોર ને સમર્થન આપવા માટે ખાસ ચર્ચા કરવામાં આવી હતી.
કોતરવાડા ગામમાં મળેલ ઠાકોર સમાજની બેઠકમાં અલ્પેશ ઠાકોરે સમાજના લોકોને સંબોધન કરતા કહ્યું કે, સરકાર દ્વારા નર્મદાનુ પાણી આપણી કેનાલ સુધી પહોંચાડવામાં આવ્યું છે. તમે કોંગ્રેસને શું કરવા માટે મત આપો છો. પંચાયતથી પાર્લામેન્ટ સુધી અમારી સરકાર છે. કોંગ્રેસ તો જીતીને પણ બહાના કાઢશે કે, અમારી સરકાર નથી એટલે કામ થતા નથી. તો તેમને મત આપીને તમારો મત શુ કરવા વેડફો છો. તમે દિયોદર, રાધનપુર, થરાદના રોડ જોઈને આવો. અમારો ધારાસભ્ય છે એટલે રોડ સારા છે. સરકાર તમારા બધા કામ કરશે, પણ સરકાર પાસેથી કામ પણ કરાવો અને વિરોધ પણ કરવો એ તો ન ચાલે.
વધુમાં કહ્યું કે, ઠાકોર સમાજના લોકો અન્ય સમાજ પાસે જઈ અને સ્વરૂપજી ઠાકોરને વધુમાં વધુ મતદાન કરાવે. આ વિધાનસભાની ચૂંટણી ઠાકોર સમાજ માટે સૌથી મહત્વની ચૂંટણી છે. અને આ બેઠક પરથી સ્વરૂપજી ઠાકોરની જીત થશે તો આગામી સમયમાં અનેક વિકાસના કામો આ વિસ્તારમાં થશે. સાથે જ આ બેઠક પર ભાજપની જીત નિશ્ચિત દેખાઈ રહી છે, ત્યારે ઠાકોર સમાજ ક્યાંય પણ ગયા વગર સ્વરૂપજી ઠાકોરને વિજય બનાવે તે માટે અપીલ કરી હતી.
Alpesh Thakor : “સરકારનો ધારાસભ્ય હોય તો શું ફરક પડે તે જોઈ આવો”#alpeshthakor #viralvideo #BJPMLA #nirbhaynews #vavelection pic.twitter.com/hvA2aWDyi8
— Nirbhaynews (@nirbhaynews1) November 7, 2024
આ પણ વાંચો : Chaitar Vasava : ચૈતર વસાવાએ મુખ્યમંત્રી અને આરોગ્યમંત્રીને લખ્યો પત્ર, આદિવાસી વિદ્યાર્થીઓના પ્રશ્નોની કરી રજૂઆત