Ahmedabada :અમદાવાદ (Ahmedabada) શહેરમાં અસામાજિક તત્વોનો ( Anti-social elements) આતંક વધી રહ્યો છે. ગુનેગારો જાણે કે પોલીસને પડકાર ફેંકી રહ્યા હોય તેવી ઘટનાઓ સામે આવી રહી છે. થોડા સમય પહેલા ચાણક્યપુરી વિસ્તારમાં 20થી 25 લોકોના ટોળાએ હથિયારો સાથે ફ્લેટમાં ઘુસી ખુલ્લેઆમ આતંક મચાવ્યો હતો જેના કારણે પોલીસની કામગીરી પર સવાલો ઉઠ્યા હતા ત્યારે આજે અમદાવાદમાં અસામાજિક તત્વોના આંતકની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં વાડજ ખાતેની રામકોલોની સોસાયટીમાં મોડી રાત્રે 100 જેટલા યુવકોનું ટોળું ધોકા અને પાઇપ લઈને ઘુસી આવ્યું હતું અને સોસાયટીમાં તોડફોડ કરી હતી. ઘટનાની જાણ થતા પોલીસ પણ દોડતી થઈ હતી.
વાડજમાં અસામાજિક તત્વોએ મચાવ્યો આતંક
મળતી માહિતી મુજબ જૂના વાડજ ખાતેની રામકોલોની સોસાયટીમાં અંગત અદાવતમાં શુક્રવારે રાતે 100 જેટલા યુવકોનું ટોળું ધોકા અને પાઇપ લઈને ઘુસી આવ્યું હતું. અને સોસાયટીમાં રહેલા તમામ વાહનોમાં તોડફોડ કરી હતી. આ ઘટનાની જાણ થતા JCP નીરજ બડગુજર, DCP વિશાખા ડબરાલ, નારણપુરા PI સહિત મોટી સંખ્યામાં પોલીસનો કાફલો દોડી આવ્યો હતો. પોલીસે આ ઘટનાના સીસીટીવી ફૂટેજ મેળવીને તપાસ હાથ ધરી હતી.
વાહનોમાં મોટા પ્રમાણમાં નુકસાન
મળતી માહિતી મુજબ લગભગ 20 દિવસ પહેલા સોસાયટીમાં કોઈ બાબતે બબાલ ઈ હતી. આ મામલો પોલીસ સ્ટેશને પણ પહોચ્યો હતો ત્યારે આ બનાવની અદાવત રાખીને ગત રોજ 100 થી વધુ લોકોના ટોળાએ આવીને બબાલ કરી હતી અને સોસાયટીમાં રહેલા વાહનોમાં તોડફોડ કરી હતી. જાણકારી મુજબ આ ઘટનવામાં 10 થી 15 વાહનોને નુકસાન પહોંચ્યું છે.
લુખ્ખા તત્વો પર ક્યારે લાગશે લગામ ?
મહત્વનું છે કે, અમવાવાદમાં લુખ્ખાતત્વોને જાણે કે, પોલીસનો કોઈ ડર જ ન હોય તેમ લાગી રહ્યું છે. જેના કારણે પોલીસની કામગીરી પર પણ સવાલ ઉઠી રહ્યા છે. ગૃહરાજ્યમંત્રીએ લુખ્ખાતત્વોને ચીમકી આપી હતી કે, દાદાના રાજમાં કોઈની દાદાગીરી ચલાવી લેવામાં આવશે નહીં ત્યારે અમદાવાદમાં કેમ ગુનેગારોને પોલીસનો ભય નથી , આવા લુખ્ખાતત્વોને કારણે રહીશો ભયમા રહેવા મજબુર બન્યા છે. ત્યારે આવા લુખ્ખા તત્વો પર ક્યારે લગામ લાગશે તેવા પણ સવાલ થઈ રહ્યા છે.
આ પણ વાંચો : દિવાળી પહેલા વરસાદનો વધુ એક રાઉન્ડ આવશે! હવામાન વિભાગ અને અંબાલાલની મોટી આગાહી