Ahmedabad માં AMTS બસના ડ્રાઈવરની ગંભીર બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે. 7 જુલાઈની મોડી રાત્રે લગભગ 12 વાગ્યે સાળંગપુરથી એલિસબ્રિજ તરફ જઈ રહેલી AMTS બસ બ્રિજ પર ચઢવાના બદલે નીચેના રિવરફ્રન્ટ માર્ગ પર ઘૂસી ગઈ હતી. બસ ડિવાઈડર સાથે જોરદાર ટકરાતાં આસપાસના લોકો દોડી આવ્યા અને તરત જ પોલીસને જાણ કરી હતી.
પોલીસે ડ્રાઈવરની અટકાયત કરી
માહિતી મળતાં બી ડિવિઝન ટ્રાફિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પ્રાથમિક તપાસ દરમિયાન ડ્રાઈવરના મોઢામાંથી દારૂની ગંધ આવતી હોવાથી તેની તપાસ કરવામાં આવી હતી. તપાસમાં ડ્રાઈવર દારૂના નશામાં હોવાનું સામે આવ્યું હતું. પોલીસે ડ્રાઈવરની અટકાયત કરીને તેના વિરુદ્ધ ગુનો નોંધી બસ પણ કબજે લીધી હતી.
મોટી દુર્ઘટના ટળી, AMTS તંત્ર સામે સવાલ
પોલીસે ડ્રાઈવરને રૂટ વિશે પૂછપરછ કરતાં તેને કોઈ સ્પષ્ટ જવાબ આપી શક્યો નહોતો, જે દર્શાવે છે કે તે ભારે નશામાં હતો. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નહોતી, પરંતુ ડ્રાઈવરની બેદરકારીને કારણે મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત. સમગ્ર ઘટનાએ AMTS તંત્રની કામગીરી, ડ્રાઈવરોની તપાસ અને મુસાફરોની સુરક્ષા અંગે ગંભીર સવાલો ઊભા કર્યા છે. હવે આ મામલે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.