Ahmedabad Bullet Train પ્રોજેક્ટમાં મોટો માઈલસ્ટોન: સાબરમતી નદી પર 480 મીટર લાંબો બ્રિજ તૈયાર

October 3, 2026

Ahmedabad Bullet Train: ભારતના પ્રથમ મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ (High-Speed Rail Corridor) ને લઈને એક અત્યંત ઉત્સાહજનક અને મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ શહેરમાંથી પસાર થતી સાબરમતી નદી પર બુલેટ ટ્રેન માટેના વિશાળ બ્રિજની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરી લેવામાં આવી છે. સાબરમતી અને અમદાવાદ બુલેટ ટ્રેન સ્ટેશન વચ્ચે આકાર પામેલો આ પુલ એન્જિનિયરિંગની દ્રષ્ટિએ અત્યંત અદ્ભુત અજૂબો માનવામાં આવી રહ્યો છે.

36 મીટર ઊંચો અને 480 મીટર લાંબો બ્રિજ તૈયાર

સાબરમતી નદીના પટ પર નિર્માણ પામેલો આ બુલેટ ટ્રેન પુલ આશરે 36 મીટર ઊંચાઈ ધરાવે છે અને તેની કુલ લંબાઈ 480 મીટર છે. આ પુલના બાંધકામમાં મજબૂતાઈ અને ટેકનિકલ ચોકસાઈનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. બ્રિજના નિર્માણમાં કુલ 8 સર્ક્યુલર પિયર્સ (ગોળાકાર થાંભલા) નો ઉપયોગ કરાયો છે, તેમજ 50 થી 76 મીટર સુધીના લાંબા સ્પાન ગોઠવવામાં આવ્યા છે. જેમાં 76 મીટરના 5 સ્પાન અને 50 મીટરના 2 સ્પાનનો સમાવેશ થાય છે.

ગુજરાતમાં 21 માંથી 18 નદી પુલ તૈયાર

મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલ કોરિડોર અંતર્ગત રૂટ પર આવતી વિવિધ નદીઓ પર કુલ 25 નદી પુલ (River Bridges) નું નિર્માણ કરવાનું આયોજન છે. આ 25 પુલમાંથી 21 પુલ એકલા ગુજરાત રાજ્યમાં આવે છે. નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન દ્વારા હાથ ધરાયેલી પૂરજોશ કામગીરીના પરિણામે ગુજરાતમાં નક્કી કરાયેલા 21 માંથી 18 નદી પુલનું બાંધકામ સફળતાપૂર્વક પૂર્ણ કરી લેવામાં આવ્યું છે, જે પ્રોજેક્ટની ઝડપ દર્શાવે છે.

અમદાવાદ અને સાબરમતી સ્ટેશન વચ્ચે સુગમ કનેક્ટિવિટી

આ પુલ તૈયાર થઈ જવાથી અમદાવાદ બુલેટ ટ્રેન સ્ટેશન અને સાબરમતી બુલેટ ટ્રેન સ્ટેશન વચ્ચેનો ટ્રેક સંપૂર્ણપણે જોડાઈ ગયો છે. આ સિદ્ધિથી દેશના ડ્રીમ પ્રોજેક્ટ ગણાતા બુલેટ ટ્રેનના લોકાર્પણ તરફ વધુ એક મોટું કદમ ભરાયું છે. બાકી બચેલા પુલોનું કામ પણ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે અને ટૂંક સમયમાં તેને પણ પૂર્ણ કરી લેવામાં આવશે.

આ પણ વાંચો: Ahmedabad ના મકરબા ઓવરબ્રિજ પર ‘કેપ્સ્યુલ ફોર્મ્યુલા’ ફેલ: હવે ટ્રાફિક સમસ્યા ઉકેલવા રોડ 16 મીટરથી વધારીને 40 મીટર પહોળો કરાશે

Read More

Trending Video