Ahmedabad: તાજેતરમાં વરસેલા વરસાદને કારણે ગુજરાતના (Gujarat) અનેક વિસ્તારોમાં પુર જેવી સ્થિતિ સર્જાઈ હતી. જેમાં કચ્છ- સૌરાષ્ટ્ર સહિત મધ્ય ગુજરાતમા મેઘ કહેર જોવા મળ્યો હતો. ત્યારે અમદાવાદમાં (Ahmedabad) પણ ભારે વરસાદ (heavy rain) વરસ્યો હતો જેના કારણે હજુ પણ ઘણા એવા મકાનો છે જ્યાં પાણી ઓસર્યા નથી. જેમાં નિકોલ-કઠવાડા રોડ પર આવેલા મધુમાલતી આવાસ યોજનામાં 24 કલાક બાદ પણ વરસાદી પાણીનો નિકાલ ન થતા સ્થાનિકોમાં રોષની લાગણી વ્યાપી હતી તેવામાં નિકોલ મધુમાલતી આવાસ યોજનાનાં મકાનોમાં ભરાયેલાં પાણીને લઈ આજે દસ્ક્રોઈ વિધાનસભાના ભાજપના ધારાસભ્ય બાબુદાસ જમનાદાસ પટેલ, વોટર સપ્લાય કમિટીના ચેરમેન દિલીપ બગરિયા અને સ્થાનિક નિકોલ વોર્ડના કોર્પોરેટરો આ સ્થળની મુલાકાત લેવા માટે પહોંચ્યા હતા. આ દરમિયાન ધારાસભ્ય પર સ્થાનિકોનો રોષ ફાટી નિકળ્યો હતો અને સ્થાનિકોએ ધારાસભ્યનો ઉઘડો લીઘો હતો.
સ્થાનિકોએ ધારાસભ્યનો ઉઘડો લીઘો
મળતી માહિતી પ્રમાણે નિકોલ ખાતે આવેલા મધુમાલતી આવાસની યોજનામાં વરસાદી પાણીના નિકાલની તંત્ર દ્વારા કોઈ વ્યવસ્થા કરી આપવામા આવી નથી જેથી આ વિસ્તારોમાં હજુ પણ પાણી ભરાઈ રહ્યા છે. દસ્ક્રોઇના ભાજપના ધારાસભ્ય બાબુદાસ જમનાદાસ પટેલ સ્થાનિક કોર્પોરેટરો અને વોટર સપ્લાય કમિટીના ચેરમેન દિલીપ બગરિયા સાથે મધુમાલતી આવાસ યોજનાની મુલાકાત લેવા પહોંચ્યા હતા. આ દરમિયાન સ્થાનિકોએ તેમને ઘેરી લીધા અને તેમના પર પોતાનો રોષ ઠાલવ્યો હતો. આ દરમિયાન સ્થાનિકોએ રજુઆત કરી હતી કે અહીં પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાથી હજુ વરસાદ પડશે તો ફરી આવી સ્થિતિ સર્જાશે જેથી અન્ય જગ્યાએ રહેવા માટે મકાન ફાળવી આપવામા આવે, ત્યારે વોટર સપ્લાય કમિટીના ચેરમેન દિલીપ બગરિયાએ આટલા બધા મકાન ક્યાંથી આપુ, તમને રેનબસેરામાં રહેવાની વ્યવસ્થા કરી આપું છું અને ખાવાનું મળી જશે. ફૂડ પેકેટની વ્યવસ્થા કરી આપીશું ત્યારે તેમના આ વાક્યો પર સ્થાનિરો વઘારે રોષે ભરાયા હતા. અને તેમને કહ્યું હતુ કે, અમે તમને અહીં પાણીના નિકાલની વ્યવસ્થા થાય એ માટે બોલાવ્યા છે. અમારે મકાનો જોઈએ છે. અમારે કોઈ રેનબસેરામાં રહેવા માટે જવું નથી કે જમવાનું જોઈતું નથી.
સ્થાનિકોનો રોષ જોઈ નેતાઓએ ચાલતી પકડવી પડી
આ દરમિયાન જાણે કે, વોટર સપ્લાય કમિટીના ચેરમેન દિલીપ બગરિયા વાત ફેરવાનો પ્રયાસ કરતા હોય તેમ ઔડા મકાન બન્યાં ત્યારથી કેટલા લોકો મકાનમાલિક છે? ભાડૂઆત છે? તેવા સવાલો કરવા લાગ્યા હતા જેથી સ્થાનિકો વધારે રોષે ભરાયા હતા. અને અત્યારે તેમના આ સવાલો વાજબી ન હોવાનું જણાવ્યું હતું. ત્યારે ભાજપના આ નેતાઓએ વરસાદી પાણીના નિકાલ માટે પાઇપલાઇન નાખવાની છે તે આવતા ચોમાસા સુધીમાં કામગીરી પૂર્ણ થઇ જશે તેમ કહી સમસ્યાનુ નિરાકરણ લાવવા જણાવ્યું હતુ પરંતું રોષ ભરાયેલા લોકોએ તમારે અન્ય જગ્યાએ મકાનો ફાળવવા હોય તો ફાળવો, નહિતર બે હાથ જોડીને જય માતાજી કહી દેતા નેતાઓએ ચાલતી પકડવી પડી હતી.
આ પણ વાંચો : Gujarat Rain Update: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 133 તાલુકામાં વરસાદ, જાણો આજે ક્યાં વિસ્તારોને ઘમરોળશે મેઘરાજા