Ahmedabad BJP : ભાજપના નેતાઓ વચ્ચે જ એટલા આંતરિક વિખવાદો છે કે એમને કોંગ્રેસ કે દુશ્મનોની જરૂર નથી. 3 દાયકાથી ગુજરાતમાં ભાજપનું શાસન છે. જેને પગલે નેતાઓ પણ છાકટા બની ગયા છે. પાર્ટીમાં અંદરો અંદરના વિખવાદો જ એટલા છે કે જ્યારે દુશ્મની વધે ત્યારે એકબીજાની પોલ ખોલતા હોય છે. પત્રકાંડ એમાં સામાન્ય થઈ ગયા છે. આ પહેલાં પણ ભાજપના નેતાઓની પોલ ખોલતા પત્રો વાયરલ થયા છે.
અમદાવાદ ભાજપના 4 નેતાઓની ખોલી પોલ
અમદાવાદના મણિનગર વિધાનસભાના ભાજપ (Ahmedabad BJP)ના ધારાસભ્ય અમૂલ ભટ્ટ, પ્રદેશ કોષાધ્યક્ષ અને તાજેતરમાં જ અમદાવાદ મ્યુન્સિપલ કોર્પોરેશનના પ્રભારી પદેથી હટાવાયેલા ધર્મેન્દ્ર શાહની ટોળકીનો આ પત્ર પોલ ખોલી રહ્યો છે. જોકે, અમૂલ ભટ્ટ અને ધર્મેન્દ્ર શાહ આ કોઈ વિઘ્ન સંતોષીએ ખોટી વિગતો સાથે પત્ર વાયરલ કર્યો હોવાનું કહી રહ્યાં છે. આ મામલો વધુ વિવાદ વકરે તો પોલીસ કાર્યવાહી પણ થઈ શકે છે. આ પત્રમાં ભાજપના એક કાર્યકરે નેતાઓ સામે ગંભીર આક્ષેપો કરીને રોકડી કિંગ અને કટકી કિંગ પણ કહ્યાં છે.
પત્ર વાયરલ થતા જ નેતાઓ પોતાના બચાવમાં ઉતાર્યા
આ પત્ર વાયરલ થતાં જ અમૂલ ભટ્ટથી લઈને ધર્મેન્દ્ર શાહ પોતાના બચાવમાં ઉતરી આવ્યા છે. અમદાવાદના સ્થાનિક રાજકારણમાં આ પત્રએ ભારે ચર્ચા જગાવી છે. પત્રમાં ઉલ્લેખાયેલા ભષ્ટ્રાચારો મામલે પણ ભાજપે ગંભીરતાથી લઈને તપાસ કરવાની જરૂર છે. ધર્મેન્દ્ર શાહને તો કેમ હટાવાયા એ સૌ સારી રીતે જાણે છે હવે શું અમદાવાદમાં અમૂલ ભટ્ટનો વારો પડશે એ ભાજપમાં ચર્ચાનો વિષય છે. સમગ્ર ઘટનાના પડઘા છેક ગાંધીનગર સુધી પડયાં છે. ભાજપ આ મામલે ખાનગીમાં તપાસ કરી રહી છે. નેતાઓએ તો આ કોઈ વિઘ્ન સંતોષીનું કામ હોવાનું કહી આ મામલે ચૂપકીદી સાધી લીધી છે. પણ આ પત્ર હાલમાં ભાજપમાં ચર્ચાનો વિષય બનતો જાય છે. આ અમે નથી કહેતા પણ તમામ આક્ષેપો વાયરલ થયેલા નનામ પત્રમાં કરાયેલા છે.
લેટર બૉમ્બમાં શું કરાયા મોટા ખુલાસા ?
અમદાવાદના આનંદ ડાગા, અમુલ ભટ્ટ, વિપુલ સેવક, ધવલ રાવલ આ બધા એક જ હારના મણકા છે. પાર્ટીના નામે હોદ્દાનો ઉપયોગ કરી । આ ટોળી રોકડીમાં જ પડી છે. ડાગાએ બધાને પૈસો બતાવી લટ્ટુ બનાવી દીધા છે. ધર્મેન્દ્ર શાહ તો પહેલાંથી એએમટીએસની બસો અને કચરાની ગાડીઓમાં ભાગીદાર છે. આ પછી પૈસા માટે લાળપાડું અમુલ ભટ્ટ સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન થયો એટલે ડાગા જોડે રોકડીની સાઠગાંઠમાં લપેટાયો. આ કટકી કીંગે એએમટીએસમાં ડાગા માટે બબાલ કરી હતી તે બધા જાણે છે. આ ભઈ એ વખતથી ડાગાની ઓફીસનાં પહેરેદાર બન્યા એ મણીનગર વિધાનસભાના બધા કાર્યકરો જાણે છે પણ આ ચંડાળ ચોકડીને કારણથી કોઈ બોલતા નથી. આ મોટે ભાગે દરરોજ ડાગાને સલામ કરવા જાય છે અને એના ઈશારે કામ કરે છે. શીતલબેન ડાગાને દંડક બનાવામાં તેમનો મોટો રોલ હતો. હવેથી આ દરવાજે જતા બંધ થઈ જશે. એની પાસે રાતોરાત આટલો પૈસો કેવી રીતે આયો? મણીનગરમાં દુકાનો, ૨ કરોડની ઓફીસ, બે એસયુવી કાર. બોલો….. ચેરમેન હતા તો સિક્યુરિટીવાળા, અને બીજા કોન્ટ્રાક્ટરો સાથે સેટીંગ કરી ભારે રોકડી કરી છે. એના કોર્પોરેશનના પીએ અને અત્યારના બધા ચમચાઓ ખાનગીમાં બધુ કહે છે. મણીનગરની પેલી અને પહેલાંની મેયર ના લફરો પણ પક્ષના નેતાઓ અને આખું ગામ જાણે છે. મણીનગરની બહેનોએ આ લંપટસ્વામીથી સાચવવું જોઈએ. આ સત્યની હવે પ્રધાનમંત્રી, પાટીલ સાહેબ, બધા ધારાસભ્યોને પણ લેટરથી જાણ થશે કે અમુલ ભટ્ટ આ ટોળીનો જ સાગરીત છે. હવે બધા બોલે છે આવાને કોણે ટીકીટ આપી ? એની હવે ખાનગી તપાસ કરી બધી વાતો એક પછી એક લેટરથી જાણ થશે. એ કોરપોરેટરો એમાં ખાસ મહિલાઓનું જાહેર અપમાન કરે છે. ટોળીનો લીડર પકડાયો હવે પોતાની જાતને સેવાભાવી હોવાનો દેખાડો કરતા આ કટકી કીંગનો જ વારો છે. બધા છાપામાં, ફેમીલીમાં અને વીસ્તારમાં આ લેટર છાપીને બધા લોકોને વહેંચાશે એટલે આ કટકી કીંગ શાહુકારની બધાને ખબર પડશે. લેટર મળશે એટલે જાત બચાવવા દોડધામ કરશે. બધા કાર્યકરો આનાથી ચેતે.
– ભાજપનો એક કાર્યકર્તા
આ 4 ભાજપ નેતાઓના બેકગ્રાઉન્ડ પર એક નજર
આજથી લગભગ એક વર્ષ પહેલાં જ્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મેયર સહિતના પદાધિકારીઓની નિમણૂક કરવામાં આવી હતી. જેમાં દંડકના નામની જાહેરાત કરવામાં આવી નહોતી. દંડક તરીકે અરુણસિંહ રાજપૂતને રિપીટ કરવા કે નવા દંડક મૂકવા તે અંગે ભાજપમાં આંતરિક વિખવાદ ઊભો થયો હતો. દંડક તરીકે અરુણસિંહ રાજપૂત અને ફરીથી રિપીટ કરવામાં આવે તેવી શક્યતા લાગી રહી હતી, પરંતુ પછીથી દંડક તરીકે મ્યુનિસિપલ કોર્પોરેશનના તત્કાલીન પ્રભારી ધર્મેન્દ્ર શાહના નજીકના ગણાતા એવા અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મહિલા મેયર તરીકે સૌથી મુખ્ય દાવેદાર ગણવામાં આવતાં હતાં તેવાં શીતલ ડાગાને મૂકવામાં આવ્યાં હતાં. શીતલ ડાગા સતત બે ટર્મથી મણિનગર વોર્ડમાંથી ચૂંટાઈને આવે છે. દંડક શીતલ ડાગાના પતિ આનંદ ડાગા પૂર્વ કોર્પોરેટર છે અને હાલમાં તેમનો એએમટીએસ બસમાં કોન્ટ્રાક્ટ ચાલી રહ્યો છે.
આ પણ વાંચો : Udaipur Violence : ઉદયપુરમાં વિદ્યાર્થી પર છરી વડે હુમલા બાદ હિંસા ફાટી નીકળી, અનેક વાહનોને આગ ચાંપી; કલમ 144 લાગુ