Ahmedabad Airport પરથી ફરી ઝડપાયો હાઇડ્રોપોનિક્સ ગાંજો: બેંગકોકથી લાવેલા વડોદરાના દંપતીની કસ્ટમ વિભાગે કરી ધરપકડ

September 2, 2026

Ahmedabad Airport: સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ફરી એકવાર કિંમતી ડ્રગ્સ ઘૂસાડવાનો કારસો કસ્ટમ વિભાગે નિષ્ફળ બનાવ્યો છે. બેંગકોકથી અમદાવાદ આવેલી ફ્લાઈટમાં ટ્રોલી બેગમાં છુપાવીને લાવવામાં આવેલો 1.93 કિલો હાઇડ્રોપોનિક્સ ગાંજાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે કસ્ટમ વિભાગના એર ઇન્ટેલિજન્સ યુનિટ (AIU) દ્વારા વડોદરાના એક દંપતીની ધરપકડ કરવામાં આવી છે.

ટ્રોલી બેગના ગુપ્ત ખાનામાંથી મળ્યો ગાંજો

મળતી વિગતો અનુસાર, કસ્ટમ વિભાગને ચોક્કસ બાતમી અને શંકાસ્પદ હિલચાલના આધારે તપાસ હાથ ધરી હતી. શંકાસ્પદ જણાતા દંપતીના સામાન અને ટ્રોલી બેગનું એક્સ-રે સ્કેનિંગ અને ઊંડાણપૂર્વક ચેકિંગ કરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન કસ્ટમ અધિકારીઓને ટ્રોલી બેગમાં ખાસ રીતે તૈયાર કરાયેલા ગુપ્ત ખાના (ચોર ખાના) મળી આવ્યા હતા. આ ગુપ્ત ખાનાઓમાંથી 10 વેક્યુમ-પેક્ડ પેકેટોમાં સીલ કરેલો લીલા રંગનો શંકાસ્પદ પદાર્થ મળી આવ્યો હતો.

1.93 કિલો હાઇડ્રોપોનિક્સ ગાંજો જપ્ત

કસ્ટમ વિભાગ દ્વારા પ્રાથમિક પરિક્ષણ કરતાં આ લીલા રંગનો પદાર્થ ઉચ્ચ ગુણવત્તા ધરાવતો હાઇડ્રોપોનિક્સ ગાંજો હોવાનું પ્રસ્થાપિત થયું હતું. જપ્ત કરાયેલા 10 પેકેટનું કુલ વજન 1.93 કિલોગ્રામ (1,928 ગ્રામ) છે, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત કરોડો રૂપિયા આંકવામાં આવી રહી છે.

NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ

બેંગકોકથી ફ્લાઈટ મારફતે ગેરકાયદેસર રીતે ડ્રગ્સની હેરાફેરી કરવા બદલ કસ્ટમ વિભાગે વડોદરાના રહેવાસી એવા પતિ-પત્ની બંનેની ધરપકડ કરી લીધી છે. આ અંગે NDPS (નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટેન્સ) એક્ટ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્ક સાથે જોડાયેલા મુખ્ય આકાઓ અને અમદાવાદમાં આ જથ્થો કોને ડિલિવર કરવાનો હતો તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે.

આ પણ વાંચો: Ahmedabad Airport પર ₹6 કરોડનું ડ્રગ્સ ઝડપાયું: વિયેતનામથી આવેલી 22 વર્ષીય વિદેશી યુવતીની કસ્ટમ્સે કરી ધરપકડ

Read More

Trending Video