Agra-Lucknow Expressway – ઉત્તર પ્રદેશના ઉન્નાવ જિલ્લામાં આગ્રા-લખનૌ એક્સપ્રેસવે પર બુધવારે સવારે એક ખાનગી બસ દૂધના કન્ટેનર સાથે અથડાતાં 18 લોકોના મોત થયા હતા.
પોલીસે જણાવ્યું કે આ દુર્ઘટના બાંગરમાઉ વિસ્તારના જોજીકોટ ગામ પાસે થઈ હતી. આ અકસ્માતમાં 19 થી વધુ લોકો ઘાયલ થયા છે અને તેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેઓની હાલત સ્થિર હોવાનું જાણવા મળે છે.
ડબલ ડેકર બસ બિહારના મોતિહારીથી યુપી આવી રહી હતી ત્યારે આ દુર્ઘટના બની હતી. ઉન્નાના જિલ્લા મેજિસ્ટ્રેટ ગૌરાંગ રાઠીના જણાવ્યા અનુસાર, આ અકસ્માત સવારે 5.15 વાગ્યે થયો હતો. “બિહારથી આવતી ખાનગી બસ દૂધના ટેન્કર સાથે અથડાઈ હતી. પ્રાથમિક તપાસ ચાલુ છે અને એવું લાગે છે કે બસ ઓવરસ્પીડ હતી. ઘાયલોને સારવાર મળી રહી છે,” રાઠીએ ઉમેર્યું.
ઉત્તર પ્રદેશના નાયબ મુખ્ય પ્રધાન બ્રજેશ પાઠકે જણાવ્યું કે ઘાયલોને ઉન્નાવ જિલ્લા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. “ઈજાગ્રસ્તોને ઉચ્ચ સ્તરીય હોસ્પિટલોમાં ખસેડવામાં આવી રહ્યા છે. ઉન્નાવની નજીકની તમામ હોસ્પિટલોને એલર્ટ પર રાખવામાં આવી છે,” પાઠકે જણાવ્યું હતું.
તેમણે ઉમેર્યું હતું કે મોટાભાગના ઘાયલ લોકો બિહારના હતા અને ઉત્તર પ્રદેશ સરકાર બિહાર સરકારના સંપર્કમાં છે. પાઠકે જણાવ્યું હતું કે અકસ્માતના કારણો તપાસ બાદ જ બહાર આવશે.
ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે અકસ્માતની નોંધ લીધી અને મૃતકોના શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. મુખ્યમંત્રીએ અધિકારીઓને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને રાહત કાર્યને ઝડપી બનાવવાનો નિર્દેશ પણ આપ્યો હતો.