Chaitar Vasava News: સુરતનાં કોસંબા ખાતે ગોલ્ડી સોલાર કંપનીમાં કર્મચારીઓની હડતાળ અને તેમની માંગોને મુદ્દે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ મેનેજમેન્ટ સાથે મુલાકાત કરી હતી. આ તકે AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે થોડા દિવસ પહેલા ગોલ્ડી સોલારના કેટલાક કામદારો રજૂઆત કરવા માટે આવ્યા હતા. 10 જેટલા મુદ્દાઓનું આવેદનપત્ર આપ્યું હતું અને કહ્યું હતું કે આટલી જગ્યાએ અમને ભેદભાવ અને અસમાનતા થાય છે. તમે રૂબરૂ આવો અને તેનું નિરાકરણ આપો. ત્યારે આજે અમે ગોલ્ડી સોલાર પ્રાઇવેટ લિમિટેડ કંપનીએ આવ્યા હતા અને જોયું તો તો 6 દિવસથી 850 જેટલા કામદારો હડતાલ પર હતા. ત્યારે અમે તેમનાં મેનેજમેન્ટ સાથે નિરાકરણ માટે પ્રયાસો કરી રહ્યા છીએ. હાલમાં તેમને પગાર ઓછો મળે છે, ટ્રાન્સપોર્ટેશન વધારે કપાય છે, કેન્ટીનમાં વધારે કપાય છે. તેમનું પીએફ કપાય છે, એક પ્રકારે સામે કંપની પણ જમા કરે, બોનસ એમને યોગ્ય મળે, મેડિકલ લાભ મળે, સાથે સાથે 85%નો જે ગુજરાત સરકારનો પરિપત્ર છે કે સ્થાનિકને 85%ની રોજગારી મળે તેવી અનેક બાબતોને લઈને ચર્ચા ચાલી રહી છે.
AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે ઘણી બાબતો અમારા ધ્યાન પર આવતા અમે કંપની મેનેજમેન્ટ સમક્ષ મૂકી છે. મેનેજમેન્ટ દ્વારા અમને કહેવામાં આવ્યું છે કે અમે ઉપરનાં હેડ સાથે ચર્ચા કરીને એક પછી એક પ્રશ્નનું નિરાકરણ લાવવા માટે પ્રયાસ કરીશું. સાથે અહીંના યુવાનોને પણ અમે અપીલ કરી છે બધા વ્યવસ્થા જાળવે. જે પણ કંપની મેનેજમેન્ટ સમક્ષ માંગો છે તે લગભગ 7-8 માંગો સ્વીકારી લીધી છે. PF અને પગાર વધારાને લઈને થોડી મૂંઝવણ છે તેની વાત ચાલી રહી છે. જો તેનું યોગ્ય નિરાકરણ આવશે તો બધા જ હડતાળ સમેટી આવતીકાલથી રેગ્યુલર કામે લાગશે. કદાચ હડતાળ નહીં સમેટાઈ તો એમના યુનિયનનાં આગેવાનો સાથે રહીને આવનારી રણનીતિ કઈ રીતે હશે તે અમે નક્કી કરીશું.
આ પણ વાંચો: બાલાસિનોર નગરમાં પાણી દૂષિત થવાના પ્રશ્ન વારંવાર બને છે, તેનો કાયમી ઉકેલ લાવવામાં આવે : Babubhai Damor AAP