Bharuch Chaitar Vasava : લોકસભા ચૂંટણી (Loksabha Election) ના પડઘમ વાગી રહ્યા છે અને નામ જાહેર થયેલા દરેક ઉમેદવાર એક્શન મોડમાં આવી ગયા છે. દરેક ઉમેદવાર અને પાર્ટી જીતવા માટે એડી ચોટીનું જોર લગાવી રહી છે. ત્યારે ભરૂચ (Bharuch)માં યુવા આદિવાસી નેતા અને AAP ના ભરૂચ લોકસભા સીટના ઉમેદવાર ચૈતર વસાવા (Chaitar Vasava) ની હાલ સ્વાભિમાન યાત્રા ચાલી રહી છે. આ યાત્રામાં ચૈતર વસાવાએ ગામે ગામ લોકો સાથે મુલાકાત કરી અને અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા પણ કરી હતી.
22 ફેબ્રુઆરીથી શરૂ થયેલ સ્વાભિમાન યાત્રા 21 દિવસમાં ભરૂચ લોકસભામાં સામેલ તમામ સાત વિધાનસભાઓમાં ભ્રમણ કરશે અને ગામેગામ ફરીને લોકસભા ચૂંટણીનો પ્રચાર કરશે. અત્યાર સુધી સ્વાભિમાની યાત્રા અનેક ગામોમાંથી પસાર થઈ ચૂકી છે. તમામ સ્થળે સ્વાભિમાન યાત્રાને લોકો તરફથી ખૂબ જ સકારાત્મક આવકાર મળ્યો છે અને લોકોએ ચૈતરભાઈ વસાવાને સમર્થન પણ આપ્યું છે. સ્વાભિમાન યાત્રામાં આમ આદમી પાર્ટીના પ્રદેશના નેતાઓ , તાલુકા અને જિલ્લાના સ્થાનિક પદાધિકારીઓ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને સ્થાનિક લોકો જોડાયા હતા.
ચૈતર વસાવાએ યાત્રામાં વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, આદિવાસી સમાજના અને આદિવાસી વિસ્તારના વિકાસ માટે સરકાર પોતાના બજેટમાં કરોડો રૂપિયાની ફાળવણી તો કરી દે છે, પરંતુ આ રૂપિયા લોકો સુધી પહોંચતા નથી. આજે આપણો વિસ્તાર ભ્રષ્ટાચારથી ખદબદી રહ્યો છે, પરંતુ સરકાર આ ભ્રષ્ટાચારને ખતમ કરવા કોઈપણ પ્રકારના પગલાં લેતી નથી. આજે તમે જોયું હશે કે આદિવાસી વિસ્તારમાં નકલી સરકારી કચેરીઓ ખોલીને ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે અને વર્ષોથી ચાલતા આ ભ્રષ્ટાચાર સામે સરકારે આંખ આડા કાન કરી નાખ્યા છે. નકલી કચેરી સિવાય બીજા ઘણા મુદ્દે અમે સરકાર સમક્ષ અનેકવાર રજૂઆતો કરી છે, તેમ છતાં પણ સરકાર આપણી કોઈ વાત સાંભળવા માટે તૈયાર નથી.
આ પણ વાંચો : Surat Suicide Case : સુરતના લીંબાયતમાં સામુહિક આપઘાતની ઘટના, પતિ-પત્નીએ ત્રણ વર્ષના પુત્ર સાથે કર્યો આપઘાત