AAP Gujarat : શામળાજીમાં આદિવાસી ન્યાય યાત્રાની જનસભા; ચૈતર વસાવાના સમર્થનમાં ઉમટી જનમેદની, ઇટાલિયાએ સરકાર પર કર્યા આકરા પ્રહાર

November 2, 2026

AAP Gujarat : આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં નીકળેલી ‘આદિવાસી ન્યાય યાત્રા’ના દસમા દિવસે અરવલ્લી જિલ્લાના શામળાજી ખાતે વિશાળ જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ બ્રિજરાજ સોલંકી, ચૈતર વસાવાનાં ધર્મપત્નીઓ વર્ષાબેન અને શકુંતલાબેન વસાવા સહિત પ્રદેશ અને જિલ્લા સ્તરના અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. મોટી સંખ્યામાં લોકોની હાજરીમાં ભાજપ સરકાર સામે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

ગોપાલ ઇટાલિયાનો સરકાર પર પ્રહાર

સભાને સંબોધતાં ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે ચૈતર વસાવાએ હંમેશાં આદિવાસી સમાજ, યુવાનો અને સામાન્ય લોકોના હક-અધિકારો માટે લડત આપી છે. તેમના આક્ષેપ મુજબ, લોકોના પ્રશ્નો ઉઠાવનારા ચૈતર વસાવાને રાજકીય કિન્નાખોરીના કારણે જેલમાં રાખવામાં આવ્યા છે.

તેમણે વધુમાં કહ્યું કે વર્ષોથી નેતાઓ અને સરકારો બદલાઈ છે, પરંતુ ગરીબ આદિવાસી પરિવારોની સ્થિતિમાં અપેક્ષિત પરિવર્તન આવ્યું નથી. હવે સમાજે પોતાના અધિકારો માટે જાગૃત થવાની અને પરિવર્તન લાવવાની જરૂર છે.

બ્રિજરાજ સોલંકીએ પણ ભાજપને ઘેરી

AAP યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ બ્રિજરાજ સોલંકીએ આરોપ લગાવ્યો કે OBC, SC અને ST સહિતના પછાત વર્ગોના હક માટે અવાજ ઉઠાવનારાઓ સામે રાજકીય કિન્નાખોરી રાખીને ખોટા કેસ કરવામાં આવે છે.

તેમણે ચૈતર વસાવાને સાત વર્ષની સજા ફટકારવાના મુદ્દે સવાલો ઉઠાવતાં કહ્યું કે આદિવાસી સમાજના અધિકારો માટે લડનાર નેતાને જેલમાં રાખવામાં આવ્યા છે. તેમણે સમાજના તમામ વર્ગોને એક થઈને ચૈતર વસાવાની લડતમાં સમર્થન આપવા અપીલ કરી હતી.

વર્ષાબેન અને શકુંતલાબેનની ભાવુક અપીલ

ચૈતર વસાવાનાં પત્ની વર્ષાબેન વસાવાએ સભામાં ભાવુક અપીલ કરતાં જણાવ્યું કે પરિવારના મુખ્ય સભ્ય જેલમાં હોય ત્યારે પરિવારને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ મુશ્કેલ સમયમાં જનતાનો સાથ અને સહકાર જ તેમનું મનોબળ મજબૂત કરી રહ્યો છે. તેમણે 2027ની ચૂંટણીમાં અન્યાયનો જવાબ મતની તાકાતથી આપવા અપીલ કરી હતી.

બીજી તરફ, શકુંતલાબેન વસાવાએ આદિવાસી સમાજને એકજૂથ થવા હાકલ કરી હતી. તેમણે ઉમરગામથી અંબાજી સુધી વસતા આદિવાસી સમાજને પોતાના હક અને અધિકારો માટે જાગૃત થવાની અપીલ કરી હતી.

2027ની ચૂંટણીને લઈને AAPના નેતાઓનો હુંકાર

શામળાજીની સભામાં AAPના નેતાઓએ ચૈતર વસાવાને ન્યાય અપાવવાની લડત ચાલુ રાખવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. સાથે જ 2027ની વિધાનસભા ચૂંટણીમાં મતની તાકાતથી જવાબ આપવાની અપીલ કરી હતી. આદિવાસી ન્યાય યાત્રા દ્વારા ગામડે-ગામડે જનસંપર્ક કરીને ચૈતર વસાવાના સમર્થનમાં લોકજાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે

આ પણ વાંચો : Raju Karpada ની સિંચાઈ માટેની મહેનત રંગ લાવી, દુધઈના સાપરકા તળાવને સૌની યોજનાથી ભરવા 3 કિમી પાઇપલાઇનનું કામ શરૂ

Read More

Trending Video