AAP Gujarat : આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રભારી ગોપાલ રાયે જેલમાં બંધ ભરૂચ જિલ્લા પ્રમુખ પિયૂષ પટેલના નિવાસસ્થાને જઈ તેમના પરિવારજનોની મુલાકાત લીધી હતી. આ દરમિયાન નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવા સહિત પાર્ટીના અનેક હોદ્દેદારો અને કાર્યકરો પણ હાજર રહ્યા હતા. ગોપાલ રાયે પરિવારને હિંમત આપતાં જણાવ્યું કે સમગ્ર આમ આદમી પાર્ટી પિયૂષ પટેલની સાથે મજબૂતીથી ઉભી છે અને કાનૂની તેમજ રાજકીય લડતમાં તેમને સંપૂર્ણ સહયોગ આપવામાં આવશે.
ભાજપ સરકાર પર દમનનો આરોપ
મુલાકાત બાદ મીડિયા સાથે વાતચીતમાં ગોપાલ રાયે ભાજપ સરકાર પર ગંભીર આરોપો લગાવ્યા હતા. તેમણે જણાવ્યું કે આજે જે કોઈ જનતાના પ્રશ્નો ઉઠાવે છે તેને ખોટા કેસોમાં ફસાવીને જેલમાં મોકલવામાં આવે છે. ઝઘડિયા GIDCમાં બોયલર દુર્ઘટનામાં કામદારોના મોત થયા બાદ જવાબદાર કંપની સામે કાર્યવાહી કરવાને બદલે કામદારોને ન્યાય અપાવવા અવાજ ઉઠાવનારા ધારાસભ્ય ચૈતર વસાવા, ભરૂચ જિલ્લા પ્રમુખ પિયૂષ પટેલ, ઝઘડિયા પ્રભારી રજની વસાવા સહિત અન્ય આગેવાનો સામે કેસ નોંધવામાં આવ્યા હોવાનો તેમણે આરોપ લગાવ્યો.
આંદોલનની ચેતવણી
ગોપાલ રાયે જણાવ્યું કે ભાજપ સરકાર દમનની નીતિ અપનાવીને આમ આદમી પાર્ટીના અવાજને દબાવી શકશે નહીં. પાર્ટી આદિવાસીઓ, ખેડૂતો અને મજૂરોના હક માટેની લડાઈ સતત ચાલુ રાખશે. તેમણે જણાવ્યું કે જેલમાં બંધ કાર્યકરો અને નેતાઓ માટે કાનૂની લડાઈ લડવામાં આવી રહી છે અને રાજ્યભરમાં તેમના સમર્થનમાં અવાજ ઉઠાવવામાં આવશે. જો સરકાર આવી કાર્યવાહી બંધ નહીં કરે તો આગામી સમયમાં સમગ્ર રાજ્યમાં વ્યાપક આંદોલન શરૂ કરવામાં આવશે. તેમણે ભારપૂર્વક કહ્યું કે આમ આદમી પાર્ટી અન્યાય સામે લડત ચાલુ રાખશે અને પીડિતોને ન્યાય અપાવવા દરેક સ્તરે સંઘર્ષ કરશે.
આ પણ વાંચો : Ahmedabad માં નશામાં ધૂત AMTS ડ્રાઈવરની બેદરકારી, દારૂના નશામાં બસ ચલાવતાં અકસ્માત સર્જાયો