જેટલાં પણ ગેરકાયદેસર કમલમ બનેલા છે એ બધાને તોડીને સારી સરકારી હોસ્પિટલ અને સ્કૂલો બનાવીશું: ઈસુદાન ગઢવી

September 23, 2024

AAP Gujarat: આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને (election) લઈને આપ પાર્ટીએ (AAP)  અત્યારથી કવાયત શરુ કરી દીધી છે. જે અંતર્ગત આવનારી ચૂંટણીઓની પૂર્વ તૈયારીના ભાગરૂપે સૌરાષ્ટ્ર અને કચ્છ ઝોનના તમામ પદાધિકારીઓ, નવનિયુક્ત પ્રભારીઓ, સહપ્રભારીઓનું તારીખ 22 સપ્ટેમ્બરના રોજ રાજકોટમાં (Rajkot) એક ચૂંટણી સમીક્ષા સંમેલન યોજવામાં આવ્યું હતું.

સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને આપ પાર્ટીએ કવાયત કરી તેજ

આ સંમેલનમાં આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવી, નેશનલ જોઈન્ટ સેક્રેટરી અને સ્થાનિક સ્વરાજ ચૂંટણી પ્રભારી ગોપાલ ઇટાલીયા, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા, ધારાસભ્ય હેમંત ખવા, ગુજરાત સંગઠન મંત્રી અજીત લોખીલ, સૌરાષ્ટ્ર પશ્ચિમ ઝોન કાર્યકારી અધ્યક્ષ જગમાલ વાળા, સૌરાષ્ટ્ર પૂર્વ ઝોન કાર્યકારી અધ્યક્ષ રાજુ સોલંકી, કિસાન સેલ પ્રમુખ રાજુ કરપડા, મહિલા પ્રદેશ પ્રમુખ રેશ્માબેન પટેલ, પ્રદેશ ઉપપ્રમુખ નીમિશાબેન ખુંટ, પ્રદેશ પ્રવક્તા કરસનદાસબાપુ ભાદરકા, પ્રદેશ સંગઠન મંત્રી અમૃત મકવાણા, પ્રદેશ સંગઠન મંત્રી રાજેશ પિંડોરિયા સહિત રાજકોટ શહેર પ્રમુખ, જિલ્લા પ્રમુખ સહિત સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લા મહાનગરના પ્રમુખો, હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

ઈસુદાન ગઢવીએ ગેરકાયદેસર બનેલા કમલમ મુદ્દે ભાજપ પર કર્યા પ્રહાર

આ સંમેલનમાં પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીએ આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને પૂરજોશથી મહેનત શરૂ કરી દીધી છે.આમ આદમી પાર્ટીએ હાલ ઝોન લેવલે, નગરપાલિકા અને મહાનગરપાલિકામાં પ્રભારી, સહ પ્રભારી અને સંગઠન મંત્રીઓની નિમણૂક શરૂ કરી દીધી છે.આજે સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું સંગઠન દિવસેને દિવસે મજબૂત બની રહ્યું છે.આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી નવો ઇતિહાસ રચવા જઈ રહી છે. 2027માં સરકાર આમ આદમી પાર્ટીની જ બનશે અને જેટલાં પણ ગેરકાયદેસર કમલમ બનેલા છે એ બધાને તોડીને સારી સરકારી હોસ્પિટલ અને સ્કૂલો બનાવીશું. આપણે સામાન્ય પ્રજા માટે હજુ ખૂબ મોટી લડત લડવાની છે. આપણે એવા સામાન્ય લોકોના બાળકોના શિક્ષણ માટે અને આરોગ્ય માટે લડત લડવાની છે જે લોકોને ખ્યાલ પણ નથી કે આપણે તેમના માટે લડત લડી રહ્યા છે અને તે લોકો આપણને જ અપશબ્દો બોલશે, તેમ છતાં પણ આપણે તેમના માટે લડતા રહેવું પડશે, એમના માટે મુદ્દા ઉઠાવવા પડશે.જે પદાધિકારીઓ આવનારી ચૂંટણીમાં પોતાના ઉમેદવારને વિજય બનાવશે તે લોકોને અરવિંદ કેજરીવાલજી સાથે મુલાકાત કરાવવામાં આવશે.

વિશ્વામિત્ર નદી ઉપરના દબાણો મુદ્દે ગોપાલ ઈટાલિયાના પ્રહાર

નેશનલ જોઈન્ટ સેક્રેટરી અને સ્થાનિક સ્વરાજ ચૂંટણી પ્રભારી ગોપાલ ઇટાલીયાએ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું, વિશ્વામિત્ર નદી ઉપર ભાજપના લોકોએ ગેરકાયદેસર બાંધકામ કર્યું, જેના કારણે આખું વડોદરા પૂરમાં તણાયું. અને હવે લોકો ભાજપના આવા ભ્રષ્ટાચારીઓને ઓળખી ગઈ છે. અને આવી પરિસ્થિતિને પહોંચી વળવા માટે અને આ મુદ્દો ડાયવર્ટ કરવા માટે ભાજપ વન નેશન વન ઇલેક્શન જેવી વાતો લઈને આવી છે. પરંતુ મૂળ મુદ્દો છે મોંઘવારીનો, ભાજપના દલાલો એપીએમસી માં બેસી ગયા છે. અને એ બધાના ખિસ્સા ભરાય છે પરંતુ ખેડૂત દિવસેને દિવસે દેવાદાર થઈ રહ્યો છે. આવા મુદ્દાઓથી આપણું ધ્યાન ભટકાવવા માટે ભાજપ કોશિશ કરી રહ્યું છે. આ અન્યાય સામે લડવાની આપણી જવાબદારી છે. અને જરૂરી નથી કે પાર્ટીના કોઈ કાગળ પર આપણને હોદ્દો આપવામાં આવે તો જ આપણે કામ કરીએ. આ ગુજરાત આપણું છે, આ સમાજ આપણો છે, આ રાજ્યની તમામ સંપત્તિના માલિક આપણે છીએ અને રખેવાળ પણ આપણે સૌ છીએ. માટે કોઈના પાસે જવાબદારી હોય કે ન હોય પરંતુ આપણે સૌને પાર્ટીનું કામ કરવાનું છે અને પાર્ટીને ચૂંટણીમાં જીતાડવાની છે.

મનોજ સોરઠીયાએ લોકોનો વિશ્વાસ જીતવાનું જણાવ્યું

ત્યારબાદ પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા એ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, ભાજપના લોકોએ નદીઓ પણ ખોદી નાખી અને જમીનો પણ ખાઈ ગયા, આ લોકો રાજ્યની સંપત્તિને ખાઈ રહ્યા છે. આ તમામની રક્ષા કરવાની આપણી ફરજ છે. હવે વાદવિવાદ કરવાનો સમય નથી, હવે ફક્ત કામ કરવાનો સમય છે. 100 વાદ વિવાદ છોડીને એક મહત્વપૂર્ણ મુદ્દા પર કામ કરે તેને લીડર કહેવાય. જ્યારે આપણે સૌએ ભેગા થઈને ગાંધીનગરની ચૂંટણીમાં દિવસ રાત મહેનત કરી હતી, ત્યારે ભાજપના રાષ્ટ્રીય નેતાઓને પણ ગાંધીનગરની સામાન્ય મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઉતરવું પડ્યું હતું. આમ આદમી પાર્ટીના સામાન્ય કાર્યકરોની સામે ભાજપે અમિત શાહ, સી આર પાટીલ અને પુરુષોત્તમ રૂપાલા જેવા નેતાઓને ગાંધીનગરની મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઉતારવા પડ્યા હતા. આપણે બધા એક થઈએ તો શું કરી શકીએ છીએ તેનો પરચો આપણે ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં બતાવ્યો હતો. ગુજરાતની તમામ જનતા ભાજપ સાથે જોડાઈ ગઈ છે તેવું નથી, જે દિવસે ગુજરાતની જનતાને આપણે મળીશું અને આપણે તેમની સાથે જોડાઈશું અને લોકોને વિશ્વાસ અપાવીશું કે આપણે ભાજપને ભગાડીને જીતી શકીશું તે દિવસે લોકો સામે ચાલીને ખોબલેને ખોબલે મત આપશે. માટે આપણે લોકોને વિશ્વાસ અપાવવો પડશે, ખૂબ મહેનત કરવી પડશે અને ખૂબ જ દોડવું પડશે.

હેમંતખવાએ નવનિયુક્ત પદાધિકારીઓ અને કાર્યકર્તાઓને અરવિંદ કેજરીવાલના જેલવાસનું ઉદાહર આપી જુસ્સો વધાર્યો

જામજોધપુરના ધારાસભ્ય હેમંતખવાએ નવનિયુક્ત પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, આજે જેટલા પણ લોકો સંગઠન મંત્રી અને બાકી હોદ્દેદાર બન્યા છે, તે તમામને ઈશ્વર દ્વારા મહત્વપૂર્ણ કામ કરવા માટે ચૂંટવામાં આવ્યા છે. જે રીતે સુરતના કોર્પોરેટરોને જનતાની સેવા કરવાનો મોકો મળ્યો અને તેમણે જનતાની જબરદસ્ત સેવા કરી, તે જ રીતે હવે ધીરે ધીરે આપ તમામ લોકોને જન સેવાના કામ માટે મહત્વપૂર્ણ પદ પર બેસાડવામાં આવ્યા છે. જનતાના કામ કરાવવા માટે જો આંદોલન કરવું પડે તો આંદોલન પણ કરવા જોઈએ અને આ દરમિયાન તેની પણ અટકાયત થશે તેવા લોકો જ નેતા બનશે. જે રીતે અરવિંદ કેજરીવાલજેલમાં જઈને આવ્યા અને વધુને વધુ મજબૂત બન્યા તે જ રીતે હવે આપણે પણ વધુ મજબૂત બનવાનું છે. અમને પૂરી ઉમ્મીદ છે કે આવનારી ચુંટણીઓમાં આ તમામ સંગઠન મંત્રીઓ ખૂબ જ મોટું યોગદાન આપશે.

આ પણ વાંચો :  Tirupati Laddus Controversy : ‘તિરુપતિનો બદલો ટૂંક સમયમાં લેવામાં આવશે’, જગદગુરુ રામભદ્રાચાર્યનું મોટુ નિવેદન

Read More

Trending Video