AAP Gujarat : અશોક ઓઝાએ તેમના વિરુદ્ધ નોંધાયેલા કેસ અંગે મહત્વપૂર્ણ ખુલાસો કરતાં જણાવ્યું કે સમગ્ર મામલો હકીકતથી વિપરીત રીતે રજૂ કરવામાં આવ્યો છે. તેમણે દાવો કર્યો કે તેમને પોલીસ દ્વારા લઈ જવામાં આવ્યા હતા અને તેમનો વીડિયો પણ બનાવવામાં આવ્યો હતો. ઓઝાના જણાવ્યા મુજબ, જે ફોન કોલને લઈને વિવાદ ઉભો થયો છે તે તેમણે માત્ર માહિતી મેળવવાના હેતુથી કર્યો હતો. તેમણે કહ્યું કે ફોન દરમિયાન પાર્ટીના પદાધિકારી કેશવ ચૌહાણ પણ કોન્ફરન્સ કોલમાં જોડાયેલા હતા અને તેમણે કોઈને આઈબી અધિકારી બનીને ફોન કરવા કે કોઈ ગેરકાયદેસર કાર્ય કરવા માટે સૂચના આપી નહોતી.
પૂછપરછ દરમિયાન સંગઠન અને ફંડ અંગે પ્રશ્નો
ઓઝાએ વધુમાં જણાવ્યું કે જ્યારે તેમને લઈ જવામાં આવ્યા ત્યારે એક મહિલા અધિકારી તેમની પાસે આવી અને પોતાને પીઆઈ તરીકે ઓળખાવી હતી. તેમના કહેવા મુજબ, લગભગ બે કલાક સુધી ચાલેલી ચર્ચા દરમિયાન ગુનાને લગતા પ્રશ્નો કરતાં વધુ પાર્ટીના સંગઠન અને નાણાકીય વ્યવસ્થાને લગતી માહિતી પૂછવામાં આવી હતી. તેમણે દાવો કર્યો કે તેમને જૂના અને નવા સંગઠનની રચના, ગુજરાતમાં પાર્ટીને મળતું ફંડ, વડોદરા શહેરનું ફંડિંગ અને 24થી 26 તારીખ દરમિયાન અરવિંદ કેજરીવાલના રોકાણ દરમિયાન થયેલા ખર્ચ અંગે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા.
AAP શહેર પ્રમુખે ધરપકડ મામલે ખુલાસો કરતાં કર્યા નવા ઘટસ્ફોટ | Nirbhaynews #Vadodara #VadodaraPolice #Viralvideo #AAPGujarat #Gujaratpolice #bjpGujarat #ArvindKejariwal #Nirbhaynews pic.twitter.com/DncWXNn7Kp
— Nirbhaynews (@nirbhaynews1) June 1, 2026
હર્ષ સંઘવીને સીધો સવાલ
આ પ્રસંગે ઓઝાએ હર્ષ સંઘવીને સીધો સવાલ પૂછતા કહ્યું કે શું હવે લોકોને પકડીને, ધમકાવીને અને ખોટા કેસોમાં ફસાવીને રાજનીતિ કરવામાં આવશે? તેમણે એવો પણ સવાલ ઉઠાવ્યો કે પૂછપરછ કરનાર મહિલા અધિકારી ખરેખર પોલીસ અધિકારી હતા કે નહીં. તેમના મતે, જે મહિલા તેમની પૂછપરછ કરી રહ્યા હતા તેઓ કોઈપણ રીતે પીઆઈ જેવા લાગતા નહોતા.
ખોટા કેસમાં ફસાવવાનો આરોપ
અશોક ઓઝાએ દાવો કર્યો કે સમગ્ર કાર્યવાહીનો હેતુ પાર્ટીના સંગઠન અને આંતરિક વ્યવસ્થા અંગે માહિતી મેળવવાનો હતો. તેમણે જણાવ્યું કે તેમની સામે કોઈ કાવતરું કે ગેરકાયદેસર પ્રવૃત્તિનો પુરાવો નથી અને તેઓ હંમેશા પાર્ટીના વફાદાર કાર્યકર રહ્યા છે. તેમણે આરોપ લગાવ્યો કે તેમને ખોટી રીતે એક કેસમાં ફસાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ઓઝાએ કહ્યું કે પૂછપરછ દરમિયાન તેમનો વીડિયો બનાવવામાં આવ્યો હતો અને વીડિયોમાં તેઓ “સાહેબ” શબ્દનો ઉપયોગ ન કરતા હોવાથી અનેક વખત વીડિયો ફરીથી રેકોર્ડ કરાયો હતો. તેમણે ઉમેર્યું કે જ્યારે કોઈ વ્યક્તિ સામે મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ હાજર હોય ત્યારે તેના પર માનસિક દબાણ સર્જાઈ શકે છે અને આવી સ્થિતિમાં તેની પાસેથી ઇચ્છિત નિવેદન લેવાઈ શકે છે.
આ પણ વાંચો : Delhi મુંબઈમાં મોટું આતંકવાદી કાવતરું થયું નિષ્ફળ, ISI સાથે જોડાયેલા 9 આતંકીની ધરપકડ