Raju Karpada AAP: આમ આદમી પાર્ટી(AAP) પ્રદેશ મહામંત્રી અને ખેડૂત નેતા સાગર રબારી તથા કિસાન સેલ પ્રદેશ પ્રમુખ અને ખેડૂત નેતા Raju Karpada એ ભારત સરકારે કરેલા વેરા મુક્ત કપાસની આયાતથી આવનારા સમયમાં ખેડૂતોને થનાર નુકસાન વિશે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી પ્રદેશ મહામંત્રી સાગર રબારીએ જણાવ્યું હતું કે, અત્યારે દેશમાં ખેડૂતોની સૌથી કપરી પરિસ્થિતિ છે. નાના ધંધા- રોજગારીની આવક બંધ થતા રિવર્સ માઇગ્રેશન કરીને લોકો ખેતીમાં રોજગાર શોધી રહ્યા હતા. એવી પરિસ્થિતિમાં ભારત સરકારે કપાસની આયાત વેરા મુક્ત કરી દેતા કપાસનું વાવેતર કરતા ખેડૂતો માટે કપરી પરિસ્થિતિ ઉભી થઈ છે. અમેરિકા અને દુનિયાભરના અનેક દેશોની સાથે સાથે ચીન પણ ભારતમાં કપાસ નિકાસ કરે છે ચીન સાથે આપણો વેપાર ખોટમાં ચાલી રહ્યો છે એવી પરિસ્થિતિમાં ચીન એનો અજગર ભરડો ભારત સરકારના માધ્યમથી ગુજરાતના ખેડૂતો પર લેવા જઈ રહ્યો છે, અને આ પરિસ્થિતિમાં આમ આદમી પાર્ટી ચૂપ બેસી શકે નહીં. ભારત સરકાર ગુજરાતના ખેડૂતો સાથે સતત અન્યાય કરી રહી છે.
આ વર્ષે ચાલુ સીઝનમાં ગુજરાતમાં 20,68,000 હેક્ટર જમીનમાં કપાસનું વાવેતર થયું છે. વેરા મુક્ત કપાસ આયાતની સમય મર્યાદા વધારીને 31 ડિસેમ્બર સુધી કરવામાં આવી છે. ત્યારે ભારતના કે ગુજરાતના ખેડૂતોનો કપાસ આ વખતે કોઈ હાથમાં પકડનાર હશે કે કેમ એ શંકા છે. સરકારે આ જે કપાસનો વેરા મુકતો કર્યો એમાં એક ટકો વેરો એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે હતો. અત્યાર સુધીમાં ચીન, અમેરિકા, ઓસ્ટ્રેલિયા જેવા અનેક દેશોમાંથી કપાસની આયાત કરવામાં આવી છે. તો એમાં એક ટકા જે એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ફંડ આવ્યું એ ક્યાં વપરાયું? ખેતીનું કયું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ભારત સરકારે ગુજરાત સરકારે આ આયાત વેરામાંથી ઊભું કર્યું એની કોઈ જ માહિતી ખેડૂતો સુધી પહોંચી નથી. આ મુદ્દે આમ આદમી પાર્ટી સતત માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહી છે પરંતુ સરકાર કોઈ જ પ્રતિભાવ આપતી નથી.
આમ આદમી પાર્ટી(AAP) ખેડૂતોના મુદ્દે નિરંતર એક લડાઈ લડી રહી છે. ખેડૂતોના પ્રશ્નોનું સમાધાન થાય, ખેડૂતો દેવા મુક્ત રહે, ખેડૂતોને કોઈ પાર્ટીના મોહતાજ ના થવું પડે તે માટે આમ આદમી પાર્ટી સતત મુદ્દાઓ ઉઠાવી રહી છે અને આંદોલનો કરી રહી છે. ગુજરાતમાં લાંબા ગાળાની ખેતી નીતિ બને તે માટે પણ આમ આદમી પાર્ટી સક્રિય રીતે કામ કરી રહી છે. ગુજરાતમાં સ્વતંત્ર કૃષિ આયોગ બને તે માટે પણ અમારી પાર્ટી સતત અવાજ ઉઠાવી રહી છે. 2024માં થયેલી અતિવૃષ્ટિ માટે સરકારે 1400 કરોડથી વધુનું કૃષિ પેકેજ જાહેર કર્યું હતું. જેમાં 20 જિલ્લાના સાત લાખથી વધારે ખેડૂતોને એનો લાભ મળવાનો હતો. આજ દિવસ સુધી કોઈ ખેડૂતને એ સહાય મળી નથી. સરકારે ખેડૂતો પાસે ફોર્મ ભરાવડાવ્યા, સરકારી જાહેરાત થઈ, સર્વે કરવામાં આવ્યો પરંતુ હવે એ પેકેજને રદ કરી દેવામાં આવ્યું છે. આ રીતે પેકેજ જાહેર કરીને જનતાની સસ્તી વાહ વહી લૂંટવાનું પાપ ભાજપે કર્યું છે. જેના વિરોધમાં આમ આદમી પાર્ટી વિવિધ કાર્યક્રમો કરવાની છે.
AAP કિસાન સેલ પ્રદેશ પ્રમુખ અને ખેડૂત નેતા રાજુ કરપડાએ આ કાર્યક્રમો વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી(AAP) દ્વારા 7 સપ્ટેમ્બર ના રોજ સુરેન્દ્રનગરના ચોટીલા ખાતે એક મહા ખેડૂત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. 35 વર્ષમાં ન થયું હોય એટલી મોટી કક્ષાનું ખેડૂત મહાસંમેલન ચોટીલામાં થવા જઈ રહ્યું છે. જેમાં ખેડૂતોની માંગણીઓને લઈને ચર્ચા કરવામાં આવશે. આ આંદોલનનો મુખ્ય હેતુ ખેડૂતોને કપાસમાં પ્રતિ મણ 2100 રૂપિયાનો ભાવ મળી રહે તેવી સરકાર દ્વારા વ્યવસ્થા કરવામાં આવે અને જો ખેડૂતોને પૂરતા ભાવ ન મળે તો એક્સ્ટ્રા બજેટની જોગવાઈ કરી રાહત આપવામાં આવે જેવા વિવિધ મુદ્દાઓ અંગે ચર્ચા થવાની છે. આ મહાઅંદોલનમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજી, પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા, પ્રદેશ મહામંત્રી સાગર રબારી સહિતના નેતાઓ ઉપસ્થિત રહેશે. આ સંમેલન થયા પછી પણ જો સરકાર ખેડૂતોની માંગણી સ્વીકાર્ય નહીં રાખે તો દરેક જિલ્લામાં આમ આદમી પાર્ટી કિસાન મહાસંમેલન કરશે અને જો ત્યાર પછી જરૂર પડશે તો ગુજરાતના તમામ ખેડૂતોને સાથે રાખીને ગાંધીનગરમાં મોરચો માંડશે.
આ પણ વાંચો:ભારતમાં આવી શકે છે વિનાશ, ઝડપથી પીગળી રહ્યા છે Himalayના 400 ગ્લેશિયર તળાવો