Rajkot : ગુજરાત ભાજપમાં (BJP) જુથવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. ભાજપમાંથી એક બાદ એક વિવાદો સામે આવી રહ્યા છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ભાજપની જાણે કે હવે પડતી શરુ થઈ હોય તેવુ લાગી રહ્યુ છે. તાજેતરમાં અમરેલી લેટરકાંડનો (amreli letter kand) મામલો સામે આવ્યો હતો. જેમાં ભાજપના જ નેતાએ ભાજપના ધારાસભ્ય કૌશિક વેકરિયા (kaushik vekariya) વિરુદ્ધ લેટર બહાર પાડીને ગંભીર આક્ષેપો લગાવ્યા હતા. હજી તો અમરેલી લેટરકાંડનો મામલો હમણાં શાંત પડ્યો નથી ત્યારે હવે પાછો સૌરાષ્ટ્ર BJP માં વધુ એક લેટરબોમ્બ સામે આવતા ખળભળાટ મચી ગયો છે. આ લેટર રાજકોટ જિલ્લા BJP પ્રભારી અને સંગઠન પર્વના પ્રદેશના ચૂંટણી સહ ઈન્ચાર્જ ધવલ દવે (Dhaval Dave) વિરુદ્ધ જૂના કાર્યકરોએ લખ્યો છે. જેમાં રાજકોટ જિલ્લા ભાજપ પ્રભારી ધવલ દવે સામે ભ્રષ્ટાચાર અને મહિલાઓ સાથેના સંબંધોનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
રાજકોટ જિલ્લા ભાજપ પ્રભારી ધવલ દવે સામે ગંભીર આક્ષેપ કરતો લેટર વાયરલ
રાજકોટ જિલ્લાનાં પ્રભારી સામે ગંભીર આક્ષેપ કરતો લેટર વાઇરલ થયો છે જેમાં ભ્રષ્ટાચાર અને અંગત સ્વાર્થ માટે પાર્ટીની મળેલી જવાબદારીનો ગેર ઉપયોગ કરતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ સાથે, લોધીકા ખરીદ વેચાણ સંઘના ચેરમેન પદે બેસાડવામાં સાત આંકડાનો વહીવટ કર્યો હોવાનો પણ આક્ષેપ કરાયો છે. તેમજ આ વાઇરલ લેટરમાં ધવલ દવે સાથે જિલ્લા ભાજપ અધ્યક્ષ અલ્પેશ ઢોલરિયા પણ સહકાર આપતા હોવાનો આરોપ થયા છે. એટલું જ નહીં ધવલ દવે મહિલા મોરચાનાં મહિલાઓ સાથે પણ શોભે નહીં તેવા સંબંધો કેળવવાનાં ગંભીર આક્ષેપ થયા છે.
રત્નાકરજી ની એક જ ઈચ્છા છે કે સૌરાષ્ટ્રમાં પટેલ સમાજની હવા કાઢવી
આ પત્રમાં એવું પણ લખવામાં આવ્યું છે કે, રત્નાકરજી ની એક જ ઈચ્છા છે કે સૌરાષ્ટ્રમાં પટેલ સમાજની હવા કાઢવી છે અને એ કામ પણ મને જ સોપ્યું છે સંગઠન પર્વ જેવું પૂરું થાય એટલે મારે પછી સૌરાષ્ટ્ર પટેલ સમાજની પીપૂડી વગાડી દેવી છે આવી વાતો કરતો ફરે છે.
ભરત બોઘરાનું રાજકરણ પતાવી દીધું હોવાનો પત્રમાં ઉલ્લેખ
આ લેટરમાં ધવલ દવે ઘણા લોકોને મહામંત્રી બનાવવાની પણ લાલચ આપતા હોવાનો ઉલ્લેખ કરાયો છે. ‘મેં રત્નાકરજીના કહેવાથી ભરત બોઘરાનું પણ રાજકરણ પતાવી દીધું છે’ તેવો પણ પત્રમાં ઉલ્લેખ કરાયો છે. તેમજ આ પત્ર પીએમ મોદી, અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ , RSS ના વડા મોહન ભાગવત, ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠન પ્રભારી , ગુજરાત પ્રદેશ અધ્યક્ષ, સંગઠન મહામંત્રી, સાંસદ, અને ધારાસભ્યને પણ મોકલવામાં આવ્યો છે. જો કે, હવે આ અંગે ધવલ દવેની કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી પરંતુ આવા ગંભીર આક્ષેપ સાથે પત્ર વાયરલ થતા ભાજપમાં ખળભળાટ મચી ગયો છે. સૌરાષ્ટ્ર જે ભાજપની રાજનીતિનું એપીસેન્ટર ગણાય છે ત્યાં એક બાદ એક લેટર વાયરલ થઈ રહ્યા છે. ભાજપના જ નેતાઓ એકબીજાની સામે પડ્યા છે અને એક બીજા પર ગંભીર આક્ષેપ કરવામાં આવી રહ્યા છે જેના કારણે પક્ષની પણ છબી ખરડાઈ રહી છે ત્યારે પ્રદેશનું નેતૃત્વ આ મામલે કોઈ પગલા લે છે કે કેમ તે જોવું રહ્યું…


આ પણ વાંચો : મહાકુંભમાં રાત્રિ દરમિયાન સંગમ ઘાટ પર ભારે ભાગદોડ, 10થી વધુ શ્રધ્ધાળુઓના મોત, અનેક લોકો ઘાયલ, શાહી સ્નાન રદ્દ