ગુજરાતીમાં લોક જીભે ચડેલી કહેવત છે કે , ‘ સિંહના ટોળા ન હોય’ પરંતુ આજે આ કહેવત ફરી ખોટી પુરવાર થઈ છે. અમરેલીના રાજુલામાં 11 સિંહનું ટોળું જોવા મળ્યું છે. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેને જોઈને લોકો પણ કહી રહ્યા છે કે સિંહના ટોળા હોય !
રાજુલામાં એક સાથે 11 સિંહોની ટોળું દેખાયું
ગીર પંથકમાં અવાર નવાર સિંહ રસ્તા પર જોવા મળતા હોય છે. ખોરાકની શોધમાં સિંહ જંગલ છોડીને રહેણાક વિસ્તારોમાં આવી ચડતા હોય છે ત્યારે આજે રાજુલાના પીપાવાવ પોર્ટ નજીક એક સાથે 11 સિંહોનું ટોળું આવી ચડ્યું હતું. બૃહદ ગીરના વિસ્તાર ગણાતા પીપાવાવ પોર્ટ વિસ્તારોમાં સિંહોનું સામ્રાજ્ય છે. જેથી અવાર નવાર રાહદારીઓને સિંહ દર્શન થતા હોય છે.
સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ
રાહદારીએ 11 સિંહના ટોળાના અદભુત દ્રશ્યો કેમેરામાં કેદ કરી લીધા હતા. આ સિંહોના ટોળાનો વીડિયો વાયરલ થયો છે. ભાગ્યે જ એક સાથે સિંહો ટોળા રૂપી જોવા મળતા હોય છે. જેથી હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે , રાજુલામાં અગાઉ પણ સિંહોની લટારના વિડિયો સામે આવ્યા છે.