Kolkata Doctor Case : કોલકત્તાની (Kolkata) મહિલા ડોક્ટર રેપ અને મર્ડરની ઘટનાના વિરોધમાં ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) એ શનિવારે દેશભરની તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં 24 કલાકની હડતાળની (Strike) જાહેરાત કરી છે. આ સમયગાળા દરમિયાન દર્દીઓના ઓપીડી અને ઓપરેશન નહીં થાય. જોકે, ઈમરજન્સી સેવાઓ ચાલુ રહેશે.
કોલકત્તા કાંડને લઈને IMAની આજે 24 કલાકની હડતાળ
IMAએ કહ્યું છે કે કોલકત્તાની મેડિકલ કોલેજમાં થયેલા જઘન્ય અપરાધ અને હોસ્પિટલમાં તોડફોડના વિરોધમાં દેશભરના ડૉક્ટરો શનિવારે સવારે 6 વાગ્યાથી રવિવારે સવારે 6 વાગ્યા સુધી 24 કલાક માટે હડતાળ પર રહેશે. આઈએમએના રાષ્ટ્રીય અધ્યક્ષ ડો.આરવી અશોકને જણાવ્યું હતું કે, ડોકટરોની સુરક્ષા સુનિશ્ચિત કરવાની જવાબદારી સરકારની છે. તેઓ મૃત મહિલા ડોકટરને ન્યાય અને ડોકટરોની સુરક્ષા માટે કેન્દ્રીય કાયદો બનાવવા જેવી માંગણીઓ સાથે વિરોધ કરશે. IMAમાં 3.30 લાખથી વધુ ડૉક્ટર સભ્યો છે.
ડોક્ટરોની હળતાળને પગલે દર્દીઓને હાલાકી
ફેડરેશન ઓફ રેસિડેન્ટ ડોક્ટર્સ એસોસિએશન (ફોર્ડા) એ પણ ફરીથી દેશવ્યાપી હડતાળ શરૂ કરી છે… જેના કારણે શુક્રવારે સતત પાંચમા દિવસે દેશની સરકારી હોસ્પિટલોમાં દર્દીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
કોલક્તાની શું છે સમગ્ર ઘટના ?
ઉલ્લેખનીય છે કે, કોલકત્તાના લાલબજાર સ્થિત આરજી કાર મેડિકલ કોલેજ-હોસ્પિટલના એક જુનિયર ડૉક્ટર પર 8-9 ઓગસ્ટની મધ્યરાત્રિએ દુષ્કર્મ અને હત્યા કરવામાં આવી હતી. મૃતક મેડિકલ કોલેજના ચેસ્ટ મેડિસિન વિભાગના બીજા વર્ષનો અનુસ્નાતક વિદ્યાર્થી અને તાલીમાર્થી ડોક્ટર હતી. જુનિયર ડોક્ટર 8 ઓગસ્ટે હોસ્પિટલમાં નાઈટ ડ્યુટી કરી રહ્યી હતી. રાત્રે 12 વાગ્યા પછી મિત્રો સાથે ડિનર પણ કર્યું હતું. ત્યારપછી મહિલા તબીબનો કોઈ પત્તો લાગ્યો ન હતો. અને 9 ઓગસ્ટના રોજ સવારે મેડિકલ કોલેજના ચોથા માળે સેમિનાર હોલમાં ડોક્ટરની અર્ધ નગ્ન હાલતમાં લાશ મળી આવી હતી. મૃતદેહ પાસે તેનો મોબાઈલ અને લેપટોપ મળી આવ્યું હતુ. જે બાદ પોલીસેને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચીને લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં મહિલા ડૉક્ટર પર દુષ્કર્મની પુષ્ટિ થઈ છે. જે બાદ પોલીસે કેસ નોંધ્યો હતો. તે જ સમયે, આ હત્યાકાંડને લઈને પશ્ચિમ બંગાળ સહિત સમગ્ર દેશમાં ડોક્ટરો દ્વારા વિરોધ શરૂ થયો હતો.
પોલીસે આરોપીની ધરપકડ કરી
મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કેસની સુનાવણી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કરાવવા અને ગુનેગારને મૃત્યુદંડ આપવાની વાત કરી હતી. SITએ રાત્રે હોસ્પિટલમાં તૈનાત નાગરિક સ્વયંસેવક સંજય રોયની ધરપકડ કરી હતી. આરોપી બ્લૂટૂથ હેડફોનના તૂટેલા વાયર સાથે પકડાયો હતો જે પોલીસને સેમિનાર રૂમમાં પડેલો મળ્યો હતો. જો કે પરિવારજનોનો આરોપ છે કે, ડોક્ટર મહિલા સાથે ગેંગરેપ થયો છે આ મામલે યોગ્ય તપાસ થાય તેવી પરિવારે માંગ કરી છે.