Kalol નગરપાલિકામાં ભાજપમા ભડકો, નગરપાલિકાના સ્ટેન્ડીગ કમિટીના ચેરમેન સહિત 11 સભ્યોએ આપ્યું રાજીનામુ

September 12, 2024

Kalol: થોડાક દિવસો અગાઉ ગાંધીનગર જિલ્લાની કલોલ નગરપાલિકામાં મારામારી થઇ હતી. જે બાદ વિવાદ વધુ વકર્યો છે. જેને લઈને હવે સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન સહિત ભાજપના 11 કોર્પોરેટરોએ રાજીનામા આપી દીધા છે અને રાજકારણમાં ગરમાયું છે.

મળતી માહિતી અનુસાર ગત અઠવાડિયે કલોલ નગરપાલિકામાં રિ ટેન્ડરિંગના મુદ્દે હોબાળો એટલી હદે વધી ગયો હતો કે છેક મારામારી સુધી પહોંચી ગયો હતો. આજે તેના પ્રત્યાઘાતો જોવા મળ્યા છે. સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન સહિત ભાજપના 11 કોર્પોરેટરોએ રાજીનામા ધરી દેતાં હડકંપ મચી જવા પામ્યો છે. ગત અઠવાડિયે થયેલી મારામારીનો કોઇ સુખદ નિવેડો ન આવતાં અવળું રિએક્શન જોવા મળ્યું છે અને રાજીનામાનો દૌર શરૂ થઇ ગયો છે.

મારામારીની ઘટના પાસે આ સમગ્ર મામલો પ્રદેશ ભાજપ સુધી પહોંચ્યો હતો જે બાદ સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન પ્રકાશ વરગડે સહિત 11 કોર્પોરેટરોએ તેમના સમર્થનમાં રાજીનામા ધરી દીધા હતા.

 ઉલ્લેખનીય છે કે થોડાક દિવસો અગાઉ ગાંધીનગરની કલોલ નગરપાલિકામાં મારામારીના દ્રશ્યો સામે આવ્યા હતા. કલોલ નગરપાલિકામાં વિકાસના કામોને સ્ટેન્ડિંગ કમિટીએ અગાઉથી મંજૂર કરેલા કામોનું ફરીથી રિ-ટેન્ડરીંગ કરતાં વિવાદ થયો હતો. જેમાં પહેલાં ઉગ્ર બોલાચાલી થઈ અને બાદમાં અચાનક લોકો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પર તૂટી પડ્યાં હતાં. ચેરમેન સાથે મારામારી પણ થઇ હતી.

નોંધનીય છે કે રોષે ભરાયેલા લોકોમાંથી એક વ્યક્તિએ તો ટેબલ પર ચઢીને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને લાફો ઝીંકી દીધો હતો. આ સાથે ત્યાં હાજર ટોળામાંથી એક અન્ય વ્યક્તિએ કોર્પોરેટરના પતિને ઉપરા-છાપરી ત્રણ-ચાર તમાચા માર્યા હતા. ગુસ્સે ભરાયેલા ટોળામાંથી એક વ્યક્તિએ તો ખુરશી માથે ઉપાડીને અધિકારીને મારવાનો પ્રયત્ન પણ કર્યો હતો. આ મારામારીની ઘટના દરમિયાન હાજર અન્ય લોકો નારાબાજી કરીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. ત્યારબાદ પોલીસ વચ્ચે પડતાં સમગ્ર મામલો થાળે પડ્યો હતો. બાદમાં ભાજપના જ બે જુથો વચ્ચે થયેલી મારામારીનો આ વિવાદ પ્રદેશ ભાજપ સુધી પહોંચ્યો હતો. જોકે, આજે પણ તેનો નિકાલ ના આવતા ચેરમેન સહિત એક પછી એક 11 કૉર્પોરેટરોના રાજીનામા પડ્યા હતા.

 

આ પણ વાંચો: Kolkata: ખુરશી સાથે કોઈ લગાવ નથી, રાજીનામું આપવા તૈયાર…: ડોક્ટરોના વાત કરવાના ઇનકાર પર મમતાએ આપ્યું નિવેદન

Read More

Trending Video